Jamnagar તા 23
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશિયા ગામમાં આવેલી સરકારી ખરાબા ની જગ્યામાં ગેરકાયદે પેશકદમી કરી વાવેતર કરનાર ત્રણ ખેડૂતો સામે જોડીયા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધ્રોલ પ્રાંત અધિકારીની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ આ મામલો સામે આવ્યો હતો, અને સરકાર પક્ષે ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગર જિલ્લાના જોડીયામાં આવેલી મામલતદારની કચેરીના નાયબ મામલતદાર એ.વી. ગરૈયા દ્વારા જોડિયા પોલીસ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે, અને જોડિયા તાલુકાના કેશીયા ગામના ધરમશીભાઈ હરજીભાઈ ચાવડા, મનોજ ધરમશીભાઈ ચાવડા, અને સતીશ ધરમશીભાઈ ચાવડા સામે સરકારી ખરાબાની આશરે બે હેક્ટર જેટલી જમીનમાં ગેરકાયદે વાવેતર કરી નાખવા અંગે ગુનો નોંધાવ્યો છે.
ઉપરોક્ત ત્રણેય આસામી સામે એક ખાતેદાર ખેડૂત દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી, અને તે અરજીના અનુસંધાને ધ્રોળ પ્રાંત અધિકારીની કચેરી દ્વારા તપાસ કરવામાં આવી હતી, તે તપાસ દરમિયાન ઉપરોક્ત ત્રણેય ખેડૂતો દ્વારા સરકારી ખરાબાની જગ્યામાં પણ ગેરકાયદે પેશકદમી કરી લઇ જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી સરકારી જમીન પચાવી પાડનારા ત્રણેય ખેડૂતો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. આર.બી. દેવધા સમગ્ર મામલાની તપાસ ચલાવી રહ્યા છે.