New Delhi, તા.25
ઈથોપિયામાં લગભગ 12 હજાર વર્ષ પછી હેલી ગુબ્બી જ્વાળામુખીમાં રવિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ તેની રાખ અને સનફલર ડાયોકસાઈડના વાદળો 15 કિલોમીટર સુધી ઉંચે ગયા બાદ હવે યમન અને ઓમાન થઈને આગળ વધી ગયા છે અને તે ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચી ગયા હતા અને 130 કિલોમીટરની ઝડપે આગળ વધી રહેલા આ રાખના વાદળો ઉત્તર પશ્ચિમ ભારત થઈને ગુજરાત સુધી પહોંચવાની તૈયારીમાં છે જેના કારણે ઉત્તર ભારતથી લઈ પશ્ચિમ ભારતમાં અનેક વિમાની સેવાઓને અસર થઈ છે અને દિલ્હીથી અનેક ફલાઈટ કેન્સલ કરવામાં આવી રહી છે.
વેધર મોનિટરિંગ ટીમના જણાવ્યા મુજબ રાખના આ વાદળો પશ્ર્ચિમ રાજસ્થાનમાં દાખલ થઈ રહ્યા છે અને ત્યાંથી જોધપુર, જેસલમેરથી આગળ વધીને છેક દિલ્હી સુધી પહોંચી ગયા બાદ બીજા એક ભાગમાં તે ગુજરાત ભણી આવી રહ્યા છે. દિલ્હી પહોંચેલા આ રાખના વાદળો આજે રાત્રે પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પર પણ પહોંચશે. આમ, અડધા ભારતને આ રાખના વાદળો અસર કરી શકે છે.
ભારતના ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશનની એડવાઈઝરી મુજબ ભારત ઉપરથી પસાર થઈ રહેલા આ રાખના વાદળોની ઉંચાઈ વધુ હોવાથી ટેક ઓફ અને લેન્ડિંગમાં કોઈ ખતરો નથી પરંતુ જો કોઈ વિમાન રાખના સંપર્કમાં આવે તો તેની એન્જિન વગેરેની કામગીરીને અસરી થઈ છે અને એરપોર્ટ ઓપરેશન પર પણ તેની અસર થશે. ડીજીસીએએ તમામ એરલાઈન્સ અને એરપોર્ટને એલર્ટ પોઈન્ટ પર મુકયા છે.
આ જ્વાળામુખીની ફલાઈટના કારણે આજે એર ઈન્ડિયા ઈન્ડિગો અકાશા સહિતની એરલાઈને પોતાની ફલાઈટો રદ કરી છે. ખાસ કરીને વિદેશ જતી ફલાઈટ પર તેની અસર વધુ થઈ રહી છે.
હેલી ગુબ્બી જ્વાળામુખીની રાખ ભારતના અનેક શહેરોને અસર કરી શકે છે. ખાસ કરીને હોંગકોંગ, દુબઈ, જેધાહ, હેલસિન્ગી, ક્રેનફર્ટ, કાબુલ વગેરે જતી ફલાઈટને ખાસ સાવચેતી રાખવા માટે જણાવાયું છે. જ્યારે અકાશાએ જેધા, કુવૈત અને અબુધાબીની ફલાઈટ રદ કરી છે. આ રાખના વાદળો જો સતત વધતા રહે તો વધુ ગંભીર પરિસ્થિતિ બની શકે છે.
હાલ તે 25થી 45 હજાર ફૂટની ઉંચાઈએ છે અને તે રીતે જ હિમાલયમાં પસાર કરી શકે છે. જોધપુર અને જેસલમેર વિસ્તારમાં આ વાદળોની અસર દેખાવા લાગી છે અને ખાસ કરીને તાપમાનમાં થોડી વૃધ્ધિ થઈ છે. 100થી 120 કિલોમીટરની ઝડપે આગળ વધી રહેલા રાખના વાદળો જો કે અન્ય કોઈ મોટી મુશ્કેલી સર્જી શકે તેમ નથી પરંતુ લોકોના સ્વાસ્થ્ય ઉપર થોડી અસર થશે અને એર પોલિટી ઈન્ડેક ઘટી શકે છે.

