Kutch, તા.29
ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરા શકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આશાપુરાનું 19મી સદીનું ભવ્ય તીર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાયકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાન ગાતા માઁ આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસ સાથે ચરણ સ્પર્શ કરવા આવે છે.
ભારતની 108 શકિત પીઠોમાં માતાના મઢની ગણના થાય છે. માઁ આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્ય મંદિર પ8 ફુટ લાંબુ અને 3ર ફુટ પહોળુ છે. માઁ આશાપુરા વિશાળ કદની 6 ફુટની મૂર્તિ છે. માઁ આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે. લાખોની સંખ્યામાં માઁની માનેલ માનતા અને શ્રધ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે.
આસો સુદ-7 સોમવાર તા. 29.9ના રાત્રીના 8 કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને ગોર મહારાજશ્રી દેવકૃપા મુળશંકર જોષી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોથી હોમાદિક ક્રિયામાં આહુતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્લોક, સંક્રાતિપાઠ, માઁના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે. મધ્યરાત્રિએ રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી રાત્રીના 1ર.30 કલાકે શ્રીફળ હોમાશે. સમગ્ર વાતાવરણ માઁ આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે.
તા.30ના મંગળવારે આસો સુદ આઠમના કચ્છ રાજવી પરિવારના કચ્છ નામદાર મહારાજકુમાર હનુમંતસિંહજી તથા ભાયાતો દ્વારા સવારે માઁ આશાપુરાને જાતર(પતરી) ચડાવશે. કચ્છ રાજવી પરિવાર ચાચરા કુંડથી સામૈયા સાથે સવારી આવે છે. ત્યારે શરણવાદક આમદ ઓસમાણ લંગા, નોબતવાદક લતીફ હાસમ લંગા, જાગરીયા ડાક મુસ્લિમ પરિવાર દ્વારા વિધિ કરવામાં આવે છે. આ સમયે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે.
માઁ આશાપુરા મંદિરમાં ભુવાશ્રી દિલુભા ચૌહાણ, ગજુભા ચૌહાણ, અનિરૂધ્ધસિંહ ચૌહાણ તથા ચૌહાણ પરિવાર દ્વારા માતાજીને ધુપ સેવા પુજા કરે છે. માઁ આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદર હનુમાનજી ગણેશજી, શંકર- પાર્વતી, ખેતરપાળ દાદા તેમજ ચાચ કુંડ પાસે માઁ ચાચરા ભવાની માતાજીનું મંદિર આવેલ છે. માઁ આશાપુરા મંદિર પાસે માઁ હિંગળાજ માઁનું ભવ્ય મંદિર આવેલ છે તથા પ્રકાશભાઇ છોટાલાલ પંડયા છેલ્લા ત્રણ પેઢીથી માતાજીની આરતી તેમજ સેવાપુજા કરે છે..
સ્થાનિક કક્ષાએ મયુરસિંહ જાડેજા સેવા આપે છે. આરતીનો સમય સવારના પ કલાકે મંગળા આરતી, સવારે 9 કલાકે ધુપ આરતી, તેમજ સુર્યાસ્ત સમય મુજબ સંધ્યા આરતી થાય છે. અગ્નિમાં તપીને સોનુ જેવી રીતે શુધ્ધ અને ચમકદાર બને છે તેવી રીતે યજ્ઞદર્શનને અપનાવીને મનુષ્ય ઉત્કૃષ્ટતાથી શિખરો પર ચડે છે અને દેવ તત્ના રસ્તે આગળ વધે છે. યજ્ઞ દર્શન કરવાથી પુણ્ય કર્મની પ્રેરણા મળે છે.
માતાના મઢ જાગીર ટ્રસ્ટ હોમાદિક ક્રિયા કરવામાં આવશે. રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી માઁ આશાપુરાને વંદનપૂર્વક પ્રાર્થના કરી સૌ દેશવાસીઓની મનોકામના માઁ આશાપુરા પૂર્ણ કરે તેવી વંદનપૂર્વક પ્રાર્થના કરે. કચ્છ રાજવી પરિવારના સભ્યો-ભાયતો આ વિધિ 30ના મંગળવાર સવારે 9.30 કલાકે પત્રી (જાતર) વિધિ ધાર્મિક વિધિથી કરવામાં આવે છે. કચ્છ રાજવી પરિવારના ભાયતો માઇભકતોની ઉપસ્થિતિમાં યોજાશે. માઁ આશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. માતાના મઢ ટ્રસ્ટીઓ સેવકગણ દ્વારા સમગ્ર વ્યવસ્થા ખુબ જ સારી રીતે કરવામાં આવે છે.