Junagadhતા.4
જુનાગઢ ભવનાથ સ્થિત ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી (ઉ.40) ગત રવીવારની મોડી રાત્રીના 3-40 કલાકે આશ્રમ છોડીને જંગલમાં નીકળક્ષ ગયા બાદ હજુ સુધી તેમનો કોઈ પત્તો મળવા પામ્યો નથી. આશ્રમના મેનેજરને બાપુએ ફોન કરેલ કે હું જટાશંકરની જગ્યાની આસપાસ છું જેથી પોલીસ-વન વિભાગની ટીમો ત્યાં પહોંચી હતી. પરંતુ કંઈ જ મળ્યું ન હતું. ડોગ પણ પ્રેરણાધામથી થોડે આગળ જઈને અટકી ગયો હતો. આમ પોલીસ રાત દિવસ જંગલ ખુંદી રહી છે.
લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ પાંચ પાનાની સ્યુસાઈડ નોટ લખીને આશ્રમમાંથી નીકળી ગયા હતા. ચાર ટીમો સાથે પોલીસ તપાસ કરી રહી છે. મહાદેવ ભારતી બાપુ મળે ત્યારે અનેક સાધુતાના લજવતા કૃત્યો બહાર આવે તેવી સંભાવના છે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી, ભવનાથ પોલીસ, ડોગ સ્કવોર્ડ રવીવાથી શોધ કરી રહી છે.
ગઈકાલે સોમવારની મોડી રાત્રીના ત્રણની આસપાસ આશ્રમના મેનેજરને મહાદેવ ભારતી બાપુનો ફોન આવેલ હતો કે 24 કલાકમાં મેં કાંઈ ખાધુ પીધુ નથી હું જટાશંકર જગ્યાની આસપાસ છું મને લઈ જાવ. પોલીસની ટીમો ત્યાં પહોંચી પરંતુ કંઈ જ મળવા પામ્યું ન હતું.
વન વિભાગની ટીમે પણ જટાશંકરનો વિસ્તાર ફેંદી વાળ્યો હતો. જટાશંકરના મહંતની પણ પુછપરછ કરતા તેઓએ મહાદેવ ભારતીને અહીં જોવા ન મળ્યાનું જણાવ્યું હતું. આશ્રમના 12થી 15 સેવકોની પુછપરછ ઉપરાંત દુકાનદારો પેટીયુ રળતા ફેરીયાઓ, માલધારીઓની પુછપરછ સાથે 150થી વધીના નિવેદનો લીધા છે.
હજુ સુધી પોલીસે સ્યુસાઈટ નોટ આખેઆખી દબાવી શા માટે રાખી છે? તે સવાલ ઉભો થયો છે જે વ્યકિત-ટ્રસ્ટી કે મેનેજરને કોને ફોન આવ્યો તેનું નામ છુપાવવામાં શા માટે આવી રહ્યું છે? સ્યુસાઈટ નોટમાં જે નામો છે તેમાના નિવેદનો લેવાયા તે કહેવાનો ઈન્કાર. પોલીસ શા માટે આવું કરી રહી છે? તે માટે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

