અંડર ૧૯ એશિયા કપ ૨૦૨૪ ની બીજી મેચ પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાઈ હતી જે પાકિસ્તાને જીતી લીધી
New Delhi, તા.૩૦
અંડર ૧૯ એશિયા કપ ૨૦૨૪ની બીજી મેચ પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત આ મેચ ૪૪ રનથી હાર્યું છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે તેના માટે કારગર સાબિત થયો હતો. પાકિસ્તાને ભારતને જીત માટે ૨૮૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ભારત ૨૩૭ રનમાં જ ઓલ આઉટ થઈ ગયું.
પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ૧૬૦ રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી શાહજેબ ખાન અને ઉસ્માન ખાને ટીમને જોરદાર શરૂઆત અપાવી હતી. ઉસ્માન ૬૦ રન બનાવી આઉટ થયો, જ્યારે શાહજેબે શાનદાર પ્રદર્શન કરી સદી ફટકારી હતી. તેણે ૧૪૭ બોલમાં કુલ ૧૫૯ રન બનાવ્યાં. પોતાના ઇનિંગમાં તેણે ૧૦ છગ્ગા અને ૫ ચોગ્ગા ફટકાર્યા હતા. તે સિવાય મોહમ્મદ રિયાજુલ્લાહે ૨૭ રન બનાવ્યાં.
ભારતને આ મેચમાં જીત માટે ૨૮૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ ટીમ ૨૩૭ રન પર જ ઓલ આઉટ થઈ ગઈ. ઓપનિંગ કરવા ઉતરેલા આયુષ મહાત્રે અને વૈભવ સૂર્યવંશીએ ક્રમશઃ ૨૦ અને ૧ રન બનાવ્યા. ત્રીજા નંબરે આવેલા આંદ્રે સિદ્ધાર્થે ૧૫ અને કેપ્ટન મોહમ્મદ અમાને ૧૬ રન બનાવ્યાં. ભારત મુશ્કેલ સ્થિતિમાં હતુ ત્યારે નિખિલ કુમારે શાનદાર ફોર્મ બતાવ્યું, પરંતુ તે ૭૭ બોલમાં ૭૭ રન બનાવીને આઉટ થઈ ગયો. મોહમ્મદ ઇનાને ૯મી વિકેટ માટે સારી બેટિંગ કરી પરંતુ ભારતને જીતાવી શક્યો નહીં.
પાકિસ્તાન માટે શાનદાર બોલિંગ કરતા અલી રજાએ ૩ વિકેટ પોતાના નામે કરી. તે સિવાય અબ્દુલ સુભાને ૨, ફહામ ઉલ હકે ૨ વિકેટ લીધી. પાકિસ્તાને આ જીત સાથે બે પોઇન્ટ મેળવ્યાં છે. ભારતને પોતાની આગામી મેચ જાપાન સામે રમવાની છે. જે સોમવારે ૨ ડિસેમ્બરે યોજાશે.

