Junagadh, તા.22
જુનાગઢ જિલ્લાના સુખધામ આશ્રમ અકાળા અને વિરડી ગામે આપ તેના પિયુષ પરમારની સભામાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા ઉપસ્થિત રહેતા રાજકીય ક્ષેત્રે મોટી નવા જુનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.
આ સભામાં ભાજપનાં નેતા જવાહર ચાવડાની ઉપસ્થિતિનાં ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ક્ષેત્રે અનેકવિધ ચર્ચાઓ તેજ બની છે. જવાહર ચાવડા ભાજપના એક મોભાદાર નેતા હાંસિયામાં ધકેલાઇ ગયેલા હોવાની ચર્ચા બાદ જવાહર ચાવડા ફરી સક્રિય થતા શું તેઓ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાશે ? તેવી ચર્ચાઓએ જોર પકડાયું છે.
વિસાવદરની બેઠકમાં આપ ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની જીત સમયે જવાહર ચાવડા ઝીંદાબાદના નારા લાગ્યા બાદ રાજકીય ક્ષેત્રે હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ ગઇકાલની સભા બાદ નવા ચોંકાવનારા સમીકરણો બહાર આવ્યા છે.
જવાહરભાઈ ચાવડાની આગેવાનીમા પૂર્વજિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ખુમાણભાઈ સિંધવ, સગર સમાજના પ્રમુખ રમેશભાઈ કોદાવલા સહિતના જુનાજોગીઓની મુલાકાતથી માળીયાતાલુકાના રાજકારણમા નવા જુનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.
સુખધામ આશ્રમ અકાળા ખાતે સમસ્ત ગુજરાત આહીર સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને સમસ્ત સગર સમાજ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રમેશભાઈ કોદાવલા ઉપસ્થિતમાં યોજાયેલ શુભેચ્છા મુલાકાતમાં માળિયા-હાંટીના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ પરમાર, માળિયા-હાંટીના તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા પિયુષભાઈ પરમાર, તેમજ બાબરાના સરપંચ બાલુભાઈ પીઠિયા, વીરડીના સરપંચ ડોડીયાભાઈ, માજીસરપંચ પ્રેમભાઈ, દેવગામના માજીસરપંચ પ્રફુલભાઈ પરમાર, સરકડિયાના માજીસરપંચ ઉમેશભાઈ પટેલ, કારીબડાના માજીસરપંચ ઉકાભાઈ પાથર, અકાળાના માજીસરપંચ વિનુભાઈ, માજીસરપંચ નંદાભાઈ સહિતના 13 થી વધુ ગામોના સરપંચો તથા ઉપસરપંચશ્રીઓ તેમજ દલિતસમાજના આગેવાન મકાભાઈ, ક્ષત્રિય સમાજના આગેવાન નાનુભાઇ સોલા તથા ક્ષત્રિય સમાજ, કોળીસમાજ, આહીર સમાજ, પટેલ સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનો સહિત 450થી વધારે લોકો હાજર રહ્યા હતા.
આ તકે સંતશીરોમણીશ્રી શ્યામદાસબાપુ તથા શાસ્ત્રીજી મણીશંકર જોશીજી દ્વારા જવાહરભાઈ ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયાના પેટ્રોલપંપ ખાતે કડવા પટેલ સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને માળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ખૂમાણભાઈ સિંધવને ત્યાં ભોજન કર્યું.