Mumbai,તા.૨૧
શોલે સહિત કેટલીય આઇકોનિક ફિલ્મોમાં યાદગાર રોલ નિભાવનારા અસરાની હવે આપણી વચ્ચે નથી રહ્યા. સોમવાર ૨૦ ઓક્ટોબરના રોજ તેમનું નિધન થઈ ગયું છે. તેઓ કથિત રીતે લાંબી બીમારીથી પીડિત હતા, જે તેમના મોતનું કારણ બન્યું. એક્ટરના ભત્રીજા અશોકે તેમના નિધનની પુષ્ટિ કરી છે. એએનઆઈએ અસરાનીના નિધન પર ટિ્વટ કર્યું છે. અભિનેતા-નિર્દેશક ગોવર્ધન અસરાની, જે અસરાનીના નામથી ફેમસ હતા. તેમનું મુંબઈમાં લાંબી બીમારી બાદ તેમનું નિધન થઈ ગયું. તેમના અંતિમ સંસ્કારની વિધિ સાંતાક્રૂઝ શ્મશાન ઘાટ પર સંપન્ન થઈ છે.
જાણકારોનું કહેવું છે કે અસરાની નહોતા ઈચ્છતા કે તેમના નિધન બાદ કોઈ શોર અથવા હલચલ થાય. તેમણે પોતાની પત્ની મંજૂને અસરાની પહેલા જ કહી ચુક્યા હતા કે તેમના મૃત્યુના સમાચાર કોઈને ન આપતા. આ કારણે પરિવારે કોઈ પણ ઔપચારિક જાહેરાત વિના ચૂપચાપ તેમના અંતિમ સંસ્કાર કરી દીધા.
શ્મશાન ઘાટમાંથી તસવીર પણ સામે આવી છે, જ્યાં તેમના પરિવારે અંતિમ સંસ્કારની રસમ નિભાવી. અસરાનીનો જન્મ જયપુર, રાજસ્થાનમાં એક સિંધી પરિવારમાં થયો હતો. તેમણે ૧૯૬૭માં ફિલ્મ હરે કાંચ કી ચૂડિયાંથી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ ફિલ્મ મેરે અપનેથી લાઇમલાઇટમાં આવ્યા. તેઓ કોમેડીના રોલ માટે ફેમસ છે. તેમણે ૩૫૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ મોટા ભાગે ફિલ્મોમાં હીરોના દોસ્તના રોલમાં દેખાયા. ફિલ્મ શોલેમાં જેલરનું પાત્ર નિભાવી તેઓ સ્ટાર બની ગયા. તેઓ રાજેશ ખન્ના સાથે સપોર્ટિંગ રોલ નિભાવતા રહ્યા. તેમણે કોશિશ, બાવર્ચી અને અભિમાન જેવી ફિલ્મોમાં મહત્ત્વનો રોલ નિભાવ્યો હતો.
અસરાનીએ અમુક હિન્દી ફિલ્મોમાં લીડ રોલમાં પણ કામ કર્યું છે. તેમણે ફિલ્મ ચલ મુરારી હીરો બનને,માં ખાલી અભિનય જ નહીં, પણ તેને લખી અને નિર્દેશિત પણ કરી. તેઓ ગુજરાતી સિનેમામાં પણ કામ કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે છ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તેમણે ૯૦ના દાયકામાં થોડો સમય સિનેમાથી દૂર થયા હતા. તેમણે પછી હેરા ફેરી અને હલચલ જેવી ફિલ્મોથી શાનદાર વાપસી કરી. અસરાનીના લગ્ન અભિનેત્રી મંજૂ બંસલ ઈરાની સાથે થયા હતા, જેમની સાથે તેમણે કેટલીય ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે સેંટ ઝેવિયર્સ સ્કૂલમાંથી મેટ્રિકનો અભ્યાસ કર્યો હતો અને રાજસ્થાન કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. તેમણે પૈસા માટે થઈ જયપુરના ઓલ ઇન્ડિયા રેડિયોમાં વોઇસ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું.