Bhuj,તા.21
ભુજ એસીબીએ આજે અલગ અલગ બે જગ્યા છટકું ગોઠવી બે લાંચિયા સરકારી કર્મચારીને ઝડપી પાડ્યા છે. જેમાં પાટણમાં પાણી પુરવઠા વિભાગનો આસિસ્ટન્ટ એન્જિનિયર રવિ શાંતીલાલ દરજીને પાટણના જલભવન કચેરીના કમ્પાઉન્ડમાં 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો. જ્યારે ગાંધીધામમાં પંજાબ નેશનલ બેંકમાં આધારકાર્ડ ઓપરેટર યુવરાજસિંહ બટુકસિંહ વાઘેલાને બેંકના જ કમ્પાઉન્ડમાં માત્ર 100 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો.
પાણી પુરવઠા બોર્ડ કોન્ટ્રાક્ટર ફરીયાદીએ સરકારની નલ સે જળ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩” માં સમી તાલુકાના સમી ખાતે પાણીની પાઈપલાઈન નાખવાનું કામ કર્યું હતું આ કામના છેલ્લા હપ્તાના (ડિપોઝિટ) પેટેનું બીલ રૂ.૩૮,૪૪,૫૯૮ જેટલું લેવાનું પેન્ડિંગ હતું. જે બીલના નાણાં કપાત કર્યા વગર ફરિયાદીના ખાતામાં ચેક જમા કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપીતે રૂ.૧.૦૦,૦૦૦ની ગેરકાયદેસર માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય પાટણ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમિયાન ફરિયાદી આક્ષેપિતને મળતા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ ૧,૦૦,૦૦૦ સ્વીકારી આરોપીને સ્થળ પરથી જ પકડી લીધો હતો.
આ ઉપરાંત આધારકાર્ડ ઓપરેટરે 100 રૂપિયાની લાંચમાં મોઢું નાંખ્યુ આ કામમાં હકિકત એવી છે કે, કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે આવેલ પંજાબ નેશનલ બેંકની બહાર સરકારની પ્રજાલક્ષી આધારકાર્ડની વિતરણ કામગીરીમાં સરકારના નિયમોનુસાર ફી (ચાર્જ) લેવાની હોય છે. પરંતુ એસીબી ગાંધીધામને ખાનગી રાહે હકિકત મળી હતી કે, પંજાબ નેશનલ બેંકની બહાર આધારકાર્ડમાં સુધારા-વધારા (અપડેટ) કરનાર આધારકાર્ડ ઓપરેટર દ્વારા પ્રજાજનો પાસેથી સરકારની નિયત કરેલ ફી ઉપરાંત ગેરકાયદેસર રીતે લાંચ પેટે રૂપિયા ૧૦૦ થી ૧૦૦૦ સુધીની માગણી કરે છે. આ હકિકતની ખરાઈ કરી કાર્યવાહી કરવા માટે ખાનગી રાહે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિકોય છટકા દરમિયાન આ કામના આરોપી યુવરાજસિંહ બટુકસિંહ વાઘેલાએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડીકોયરના આધારકાર્ડમાં તેઓના મોબાઇલ નંબર અપડેટ કરી સરકારની નિયત કરેલી ફી ઉપરાંત ગેરકાયદેસર લાંચ પેટે રૂપિયા ૧૦૦ની માંગણી કરી હતી. આ 100 રૂપિયાની લાંચ લેતા તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આ કાર્યવાહી ભુજ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહીલના માર્ગદર્શનમાં ગાંધીધામ એસીબીના એલ.એસ. ચૌધરીએ કાર્યવાહી કરી હતી.