Surendranagar,તા.16
સુરેન્દ્રનગરના પાટડી-ફુલ્કી રોડ ૦૪ વર્ષ પહેલા નિર્માણ પામ્યો હતો પરંતુ હલકી ગુણવતાની કામગીરીને કારણે હાલ આ રોડ તૂટી ગયો છે. તાજેતરમાં ડામર નાખી તૂટેલા રોડને ઠીગડા મારવામાં આવ્યા હતા પરંતુ તે પણ તૂટી જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
વર્ષ ૨૦૧૯-૨૦ માં પાટડી-ફુલ્કી રોડના નિર્માણ માટે ૦૯ કરોડ રૃપિયા મંજૂર થયા હતા. પરંતુ કોરોના કાળના બે વર્ષ સુધી આ રોડનું કામ શરૃ થયું નહોતું અને વર્ષ ૨૦૨૧ બાદ રોડનું નિર્માણ કાર્ય શરૃ થયું હતું. દરમિયાન રોડનું તકલાદી કામ થતું હોવાની અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી. હાલ રોડ નિર્માણને માત્ર ૦૪ વર્ષ જેટલો સમય થયો છે. તેવામાં ઠેર ઠેર રોડ તૂટી જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
પાટડીથી ફુલ્કીનુ અંદાજે ૧૭ કિલોમીટર જેટલું અંતર છે. જે અમદાવાદ, વિરમગામ જેવા શહેરો સાથે પાટડીને પણ જોડે છે આ ઉપરાંત કચ્છનુ નાનુ રણ, સ્વામિનારાયણ મંદિર, શક્તિ માતાજી મંદિર જેવા ધામક સ્થળો પણ પાટડી ખાતે આવેલા છે. આથી લોકો મોટી સંખ્યામાં અહીં હરવા ફરવા સહિત દર્શનાર્થે આવે છે.
દસાડાના ધારાસભ્ય પી.કે.પરમારને બિસ્માર રસ્તા અંગે રજૂઆત મળતા સંકલન સમિતિની બેઠકમાં અધિકારીઓનું આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું જેના ભાગરૃપે બિસ્માર રસ્તાનું સમારકામ પણ કરવામાં આવ્યું પરંતુ તેના થોડા દિવસોમાં ફરી આ રોડ તૂટી ગયો છે. હાલ ફરી દસાડાના ધારાસભ્ય દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તેમજ કોન્ટ્રાક્ટરને પણ તાત્કાલિક બિસ્માર રસ્તાનું રિપેરિંગ કરવા અને ગેરંટી પિરિયડમાં હોય કામગીરી શરૃ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા સ્થાનિક ધારાસભ્યની સૂચનાનું પાલન કરવામાં આવે છે કે કેમ ? અને રસ્તાનું રિપેરિંગ કામ ક્યારે કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.