Jamnagar તા.3
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા એક વેપારી યુવાન પર પૈસાની લેતી દેતી મામલે ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા સહદેવસિંહ રતનસિંહ જાડેજા નામના વેપારીએ પોતાના ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે લાખાભાઈ ગઢવી, વિપુલ ગઢવી અને સતીશ સિંધી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન સહદેવસિંહના ભાઈ પાસે આરોપી લાખાભાઈ ગઢવી પૈસા માંગતો હોવાથી પૈસાની લેતીના મામલે આ હુમલો કરાયો હોવાનું ઉપરાંત તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. હાલ ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસે તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

