Pakistan,તા.01
બલૂચ લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે બલૂચિસ્તાનના કલાત અને તુર્બતમાં બે અલગ અલગ હુમલાઓમાં પાકિસ્તાનના છ સૈનિકો માર્યા ગયા છે. બીએલએના લડાકુઓ આધુનિક અને સ્વચાલિત હથિયારોનો ઉપયોગ કરીને પાકિસ્તાનની સેનાને નિશાન બનાવ્યા. બીએલએ આ હુમલાઓને પાકિસ્તાનની સેના સામે આઝાદીની લડાઈ ગણાવી હતી.
હુમલાઓની જવાબદારી લેતા BLAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘બલોચ લિબરેશન આર્મીના સ્વતંત્રતા સેનાનીઓએ કલાત અને તુર્બતમાં બે અલગ અલગ હુમલાઓમાં દુશ્મન પાકિસ્તાની દળોને નિશાન બનાવ્યા હતા. જેમાં ભારે નુકસાન થયા બાદ સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. તુર્બતના અબસાર વિસ્તારમાં એક લશ્કરી ચોકીને નિશાન બનાવીને એક અલગ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો.’
21મી સપ્ટેમ્બરના રોજ BLA દ્વારા ક્વેટામાં શેખ ઝાયેદ હોસ્પિટલ નજીક એક પોલીસકર્મીની અટકાયત કર્યાની જાણ કરી. BLAએ પોલીસકર્મીના હથિયારો જપ્ત કર્યા અને પછી તેને છોડી મૂક્યો. તે જ રાત્રે ધાદરના કંબારી બ્રિજ પર વિસ્ફોટકોથી ગેસ પાઇપલાઇનનો નાશ કરવામાં આવ્યો.ઉલ્લેખનીય છે કે, BLAએ પાકિસ્તાની સૈન્ય અને અર્ધલશ્કરી દળો સામે પોતાની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે અને ઘણીવાર બલૂચિસ્તાનમાં આક્રમણ સામે બદલો લેવા તરીકે પોતાની કાર્યવાહી દર્શાવી છે.