Surendranagar,તા.17
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી સવાલ ઉભા થયા છે. બે દિવસ પૂર્વે ધોરીધાર વિસ્તારમાં થયેલી હત્યાના મામલે મૃતક યુવાનના સ્વજનોના ટોળાએ ધોરીધાર વિસ્તારમાં જ આરોપીના પરિવાર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક યુવાન છરીના હુમલાથી ઘાયલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 13 ઓક્ટોબરના રોજ ધ્રાંગધ્રાના મોચીવાડ વિસ્તારમાં રહેતા શાહરુખભાઈ મોવર પોતાના મિત્રને સમાધાન કરાવવા ધોરીધાર ખાતે રહેતા આરીફભાઈ રસુલભાઈ સધવાણી પાસે ગયા હતા. સામાન્ય બોલાચાલી બાદ આરીફ સધવાણીએ શાહરુખભાઈ મોવર પર છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા શાહરુખભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે આરીફ રસુલભાઈ સધવાણી સહિત બે મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને પોલીસે બીજા જ દિવસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
હત્યાના આરોપી આરીફ અને તેની બહેન સહિત ત્રણેય આરોપીઓને સુરેન્દ્રનગર સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. આરીફના પરિવારજનો ધ્રાંગધ્રાના ધોરીધાર સ્થિત તેમના રહેણાંક મકાનમાંથી સામાન ભરવા આવ્યા હતા. આ અંગેની જાણ મૃતક યુવાનના પરિવારજનો અને સ્વજનોને થતા, તેઓનું એક ટોળું ધોરીધાર વિસ્તારમાં પહોંચી ગયું હતું અને આરીફના પરિવારજનો પર હુમલો કર્યો હતો.
આ હુમલાની ઘટનામાં આરીફના પરિવારજનોની મદદમાં આવેલા સાહિલ કુરેશી નામના યુવાનને છરી વડે ઈજા થઈ હતી. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. ઈજાગ્રસ્ત સાહિલ કુરેશીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયો હતો. પોલીસે હુમલાખોર ટોળા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ગત રવિવારે થયેલી યુવકની હત્યાના મામલામાં માહોલ ગરમાયો છે. ગત રવિવારે સમાધાનના પ્રયાસ દરમિયાન એક યુવકની હત્યાની ઘટના બની હતી. આ હત્યા બાદ બંને પક્ષો વચ્ચે તણાવ યથાવત છે. મૃતકના પરિજનોએ હત્યાનો બદલો લેવાના ઇરાદે આરોપીના ઘર પર પથ્થરમારો કર્યો હતો અને છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે હત્યાના આરોપીના પરિવારજનો પોતાનો ઘરવખરીનો સામાન શિફ્ટ કરવા માટે તેમના ઘરે આવ્યા હતા.
આરોપીના પરિજનોના સામાન બદલવા સમયે થયો હુમલો
ઉલ્લેખનીય છે કે મૃતક અને આરોપી બંનેના ઘર નજીક નજીક આવેલા છે. આરોપીના પરિવારજનો સામાન શિફ્ટ કરી રહ્યા હતા. તે દરમિયાન મૃતક યુવકના ઉશ્કેરાયેલા સ્વજનોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. તેમણે આરોપીના ઘર પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
આટલેથી ન અટકતાં તેમણે આરોપી પક્ષના એક યુવક પર છરી વડે હુમલો પણ કર્યો હતો. હુમલામાં આરોપી પક્ષનો એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. ધ્રાંગધ્રા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ ઘર્ષણ ટાળવા માટે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસે હાલમાં પથ્થરમારા અને છરી વડે હુમલો કરવાના મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો પ્રયાસ કર્યો છે.