બાઈક ધીમું ચલાવવાનું કહેનાર પ્રૌઢ અને તેના પુત્રને ધોકાના ઘા ઝીંક્યા,
Jetpurતા.07
જેતપુરમાં રહેતા શાકભાજીના ઘંધાર્થી પ્રૌઢને ભોજાધાર પાસે રહેતા શખસ સહિત બે શખસોએ ધોકાના ઘા ફટકાર્યા હતાં. વેપારીને બચાવવા તેની પત્ની વચ્ચે પડતા તેના વાળ પકડી નીચે પછાડી દીધી હતી તેમજ તેના પુત્રને પણ ધોકાના ઘા ફટકાર્યા હતાં. પ્રૌઢે આરોપીને બાઇક ધીમુ ચલાવવાનું કહેવા તે બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. આ અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બે શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં ખીરસરા રોડ પર વચ્છરાજ હોટલવાળી શેરી જી.ઇ.બી પાસે રહેતા અને ઘર પાસે જ શાકભાજીની દુકાન ધરાવનાર વલ્લભાઇ બચુભાઇ ભલુગામા(ઉ.વ ૫૩) નામના વેપારીએ જેતપુર સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયદીપ ભરતભાઇ મીણીયા(રહે. ભોજાધાર,જેતપુર) અને અજાણ્યા શખસનું નામ આપ્યું છે. વલ્લભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘર પાસે દુકાન ધરાવતા હોય થોડા દિવસ પૂર્વે આરોપી જયદીપ મીણીયા બાઇક લઇ ફુલ સ્પીડમાં નિકળતા તેને ઉભો રાખી બાઇક ધીમું ચલાવવા કહ્યું હતું.તે સમયે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં તા. ૪/૯ ના ફરિયાદી દુકાને હતા ત્યારે આરોપી જયદીપ તેની પાસે આવી કહ્યું હતું કે, તારો કોનો પાવર છે કહી ઉશ્કેરાઇ ગાળો આપી હતી.
દુકાને લાકડાનો ધોકો પડયો હોય તે લઇ જયદીપ તથા તેની સાથેના શખસે ધોકાના ઘા ફટકાર્યા હતાં. વેપારીએ બુમાબુમ કરતા તેની પત્ની નંદુબેન(ઉ.વ ૫૦) પતિને છોડાવવા વચ્ચે પડતા જયદીપે તેના વાળ પકડી નીચે પછાડી દીધા હતા. જેમાં તેમને મૂંઢ ઇજા થઇ હતી. બાદમાં વેપારીના પુત્ર વિજય(ઉ.વ ૩૫) વચ્ચે પડતા આ શખસોએ તેને પણ ધોકાના ઘા ફટકારી ઇજા પહોંચાડી હતી. આ અંગે વેપારીની ફરિયાદ પરથી જેતપુર સિટી પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.