સાત વર્ષ પહેલાના કેસમાં બે પુત્ર, પિતાનો છુટકારો
Rajkot,તા.25
શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગુરુદેવ પાર્કના બગીચામાં જર્મન શેફર્ડ ડોગ લઈ આવવાના મામલે થયેલી માથાકૂટમાં બે ભાઈઓ પર લાકડી, ઢીકાપાટુ દ્વારા કરેલા હુમલાનો સાત વર્ષ પહેલાનો કેસ ચાલી જતા અદાલતે એક હુમલાખોરને ત્રણ વર્ષની સજા અને 5,000 નો દંડ તેમજ પિતા અને બે પુત્રને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા રાજેશ ભાઈ મેઘજીભાઈ ડોડીયા નામના યુવાને કુશાલ ઉર્ફે તુષાર અનિલ વિસપરા, નિશાન અનિલ વિસપરા, વિશાલ અનિલ વિસપરા અને અનિલ અમૃતલાલ સહિત ચાર શખ્સોએ ધોકા અને લાકડી વડે માર માર્યા અંગેની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી રાજેશ ડોડીયાના ભાઈ મહેશભાઈ ગુરુદેવ પાર્કના બગીચામાં હતા ત્યારે કૃશાલ વિસપરા નામનો યુવાન જર્મન શેફર્ડ ડોગ લઈને આવ્યો ત્યારે આવો બિહામણો કૂતરો લઈને અહીં આવ્યા તે મુદ્દે બંને વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખી મહેશભાઈ અને તેના ભાઈ રાજેશભાઈ ડોડીયા ઉપર ઉપરોક્ત પિતા અને ત્રણ પુત્રોએ માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે ચારેય શખ્સો સામે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. બાદ તપાસ પૂર્ણ થતા તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. બાદ કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ એ. એમ. પરમાર દ્વારા ફરિયાદી, સાહેદો, પંચો , તબીબ અને તપાસનીશને તપાસવામાં આવ્યા હતા. બાદ લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ સાતમા અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નેહા દિનેશભાઈ જોષીપુરાએ એક આરોપી કૃશાલ પૂર્વે તુષાર અનિલ વિસપરાને અલગ અલગ કલમ હેઠળ તકસીરવાર ઠેરવી ત્રણ વર્ષની સજા અને કુલ રૂ. 6,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જ્યારે અનિલ અમૃતલાલ વિસપરા તેનો પુત્ર નિશાલ અને વિશાલને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એપીપી એ એમ પરમાર રોકાયા હતા.