New Delhi,તા.22
બેંગ્લુરૂથી વારાણસી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટના કોકપિટમાં ઘૂસી જવાનો પ્રયાસ કર્યો હતો. બે પેસેન્જરે કોકપિટ ડોરમાં સાચો પાસકોડ પણ નાખ્યો હતો. પરંતુ પાયલટે સાવચેતીના ભાગરૂપે દરવાજો ખોલ્યો ન હતો.
IX-1086 ફ્લાઇટમાં બે પેસેન્જર કોકપિટ એરિયામાં આવી ગયા હતા. જ્યાં તેમણે સાચો પાસકોડ નાખી કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કૅપ્ટને પ્લેન હાઇજેક થવાના ભયના પગલે દરવાજો ખોલ્યો ન હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ઘટના વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, સુરક્ષાના માપદંડો સાથે ક્યારેય સમાધાન કરવામાં આવ્યું નથી. આ મામલે અમે સંબંધિત ઓથોરિટીમાં રિપોર્ટ નોંધ્યો છે. અને હાલ તપાસ ચાલી રહી છે. કોકપિટ ખોલવાનો પ્રયાસ કરી રહેલો પેસેન્જર તેના અન્ય આઠ સાથીઓ સાથે પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પાયલટે તુરંત એટીસીને આ અંગે જાણકારી આપી હતી. એટીસીએ સુરક્ષામાં તૈનાત સીઆરપીએફને સતર્ક કર્યા. વારાણસીના બાબતપુર ઍરપોર્ટ પર પ્લેન સુરક્ષિત લેન્ડ થયા બાદ સીઆરપીએફ જવાનોએ નવ પેસેન્જરની અટકાયત કરી હતી. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.