New Delhi,તા.૨૭
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પસંદ કરાયેલી ૧૮ સભ્યની ભારતીય ટીમમાં ઘણી ચોંકાવનારી વાતો સામે આવી છે. ખાસ વાત એ છે કે મોહમ્મદ શમીને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. જે બેંગલોર ટેસ્ટમાં આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરને બોલિંગ કરતા જોવા મળ્યો હતો.
શમી પોતે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને જાહેર કરવા માગી રહ્યો છે કે હવે તે ફિટ થઈ ચૂક્યો છે. તેવામાં શમીની પસંદગી કેમ નથી થઈ તે સમજની બહાર છે. પ્રથમ મેચ પર્થમાં ૨૨મી નવેમ્બરથી શરૂ થશે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા સામે ચાર ટી-૨૦ની ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આ ટીમમાં ઝડપી બોલર મયંક યાદવ ઇજાને કારણે સ્થાન પામ્યો નથી. શમી ઈજાગ્રસ્ત હોય તો તેની જાણકારી બીસીસીઆઇએ ૨૫ ઓક્ટોબરના જારી પ્રેસ રિલિઝમાં આપવી જોઈએ. જો કે તેમાં નથી. હકીકતમાં બીસીસીઆઇની પ્રેસ રિલિઝમાં કુલદીપ યાદવની ઇજા અંગે જાણકારી આપવામાં આવી છે.
કુલદીપને તેની ઇજાને ધ્યાને લેતાં લાંબો સમય આરામ કરવાની સલાહ આપવામાં આવી હોવાનું સૂત્રોએ કહ્યું હતું. વધુમાં ન્યુઝીલેન્ડ પ્રવાસે ટીમમાં સામેલ અક્ષર પટેલને પણ જગ્યા મળી શકી નથી. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ત્રણ નવા ખેલાડી પસંદ થયા છે. જેમાં અભિમન્યુ ઈશ્વરન, ઝડપી બોલર હર્ષિત રાણા અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી સામેલ છે.
વધુમાં મુકેશ કુમાર, નવદીપ સૈની અને ખલીલ અહેમદ ટીમમાં ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે સામેલ રહેશે. આમ ઈશ્વરન ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. દરમ્યાન, દ.આફ્રિકા સામે જાહેર થયેલી ટી-૨૦ની સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની ટીમમાં કેકેઆરનો બેટિંગ ઓલરાઉન્ડર રમણદીપસિંહ અને કર્ણાટકનો ઝડપી બોલર વ્યાસક વિજયકુમારને સ્થાન મળ્યું હતું. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી : રોહિત શર્મા કપ્તાન, જસપ્રિત બુમરાહ ઉપકપ્તાન, યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ.
રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, આર.આર. જાડેજા, મો. સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, અનામત ખેલાડી : મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ. દક્ષિણ આફ્રિકા સામે ટી-૨૦ની ટીમ : સૂર્યકુમાર યાદવ (કપ્તાન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુસિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડયા, અક્ષર પટેલ, રમનદીપસિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, અર્શદીપસિંહ, વિજયકુમાર વૈશક, અવેશખાન, યશ દયાલ.