Brisbane,તા.18
ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન શ્રેણીમાં ભારતીય ઓપનર કેએલ રાહુલની સફળતાનો મંત્ર પ્રથમ 30 ઓવરમાં જ મજબૂત ડિફેન્સ કરવાનો અને બોલરોને સન્માન આપવાનો છે. રાહુલ ઓસ્ટ્રેલિયાનાં વર્તમાન પ્રવાસમાં અત્યાર સુધીનો સૌથી સફળ ભારતીય બેટ્સમેન રહ્યો છે.
થોડાં નસીબની પણ જરૂર
જ્યારે વરસાદનાં કારણે મેચ બંધ થયો અને ભારતનાં ફોલોઓનને ટાળીને જયારે રાહુલ મીડિયા સાથે વાત કરવા ગયો, ત્યારે અપેક્ષા મુજબ તેને તેની સફળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું જ્યારે અન્ય ભારતીય બેટ્સમેનો રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે તો રાહુલે પત્રકારોને કહ્યું કે મને ખાતરી છે કે દરેકની પોતાની યોજનાઓ હોય છે.
ટોપ ઓર્ડર બેટ્સમેનો તરીકે થોડું નસીબ પણ જોઈએ છે. જો બેટસમેન પ્રથમ 10-15 ઓવરમાં સારી રીતે રમી શકે અને થોડો આત્મવિશ્વાસ મેળવી લે તો પછી વસ્તુઓ થોડી સરળ બની જાય છે, અને ઓસ્ટ્રેલિયામાં કૂકાબુરા બોલ સાથે ઝડપી અને બાઉન્સ સાથે રમવાની મજા આવવા લાગે છે.
દરેક વ્યક્તિ પોતપોતાની યોજના બનાવશે
સીરીઝની શરૂઆતમાં રાહુલ પ્રથમ પસંદગીનો ઓપનિંગ બેટ્સમેન નહોતો. તેણે પ્રથમ ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું અને પછી કેપ્ટન રોહિત શર્માએ પોતે નીચેનાં ક્રમમાં મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો.
રાહુલે કહ્યું કે, પ્રથમ 20-30 બોલ રમવાનો દરેક બેટસમેન શ્રેષ્ઠ પ્રયાસ કરે છે, અને આ એક લાંબી શ્રેણી છે. રાહુલે કહ્યું કે અમે અત્યાર સુધી ત્રણ મેચમાં પાંચ ઇનિંગ્સ રમી છે, તેથી મને ખાતરી છે કે આગલી વખતે જ્યારે અમે બેટિંગ કરીશું, ત્યારે દરેક વ્યક્તિ પોતપોતાની યોજના બનાવશે.