બુમરાહ અને વરુણ ચક્રવર્તીએ ઓસ્ટ્રેલિયાને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ તેઓ વિજય અટકાવી શક્યા નહીં
Melbourne, તા.૩૧
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી૨૦ મેચ રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમે બાજી મારી લીધી છે. પાંચ મેચની ટી૨૦ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ૧-૦થી લીડ મેળવી લીધી છે. આ પહેલા કેનબરામાં રમાયેલી પહેલી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે કોઈ પરિણામ નીકળી શક્યું નહીં. બીજી મેચમાં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની ઘાતક બૉલિંગ સામે ભારતીય બેટ્સમેનોએ સંપૂર્ણ રીતે સરેન્ડર કરી દીધું હતું. અભિષેક અને હર્ષિત રાણા સિવાય એક પણ બેટ્સમેન ડબલ ડિજિટના સ્કોર સુધી પહોંચી શક્યો નહીં. પરિણામે આખી ટીમ ૨૦ ઓવર પહેલા જ ૧૨૫ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે ૧૩.૨ ઓવરમાં જ ૧૨૬ રન બનાવી લીધા હતા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમે ટી૨૦ સીરિઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. સીરિઝની ત્રીજી મેચ ૨ નવેમ્બરે હોબાર્ટમાં રમાનાર છે.
મેલબોર્નમાં હારની સાથે ભારતની ટી૨૦ ક્રિકેટમાં વિનિંગ સ્ટ્રીક પણ તૂટી ગઈ છે. ભારતે છેલ્લી ૧૦ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ૯ જીત મેળવી હતી. જ્યારે એક મેચનું પરિણામ નીકળ્યું નહોતું. એટલું જ નહીં ભારતની ૨૦૦૮ પછી આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે ટી૨૦ ઇન્ટરનેશનલમાં પહેલી હાર પણ છે. જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી૨૦ સીરિઝની પહેલી મેચ કેનબરામાં વરસાદના કારણે રદ કરવી પડી હતી.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી. શુભમન ગિલ માત્ર ૫ રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યાર બાદ સંજૂ સેમસન ૨ રન, સૂર્યકુમાર યાદવ ૧ રન, તિલક વર્મા ૦, અક્ષર પટેલ ૭ રન જ્યારે શિવમ દુબે ૪ રન બનાવીને આઉટ થયો. કુલદીપ અને જસપ્રીત બુમરાહ પણ ૦માં પેવેલિયન પરત ફર્યા. ટીમ ઇન્ડિયામાંથી માત્ર બે બેટ્સમેન અભિષેક શર્મા અને હર્ષિત રાણા ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યાં. જેઓએ ક્રમશઃ ૬૮ અને ૩૫ રન બનાવ્યાં.

