Adelaide ,તા.3
ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન ટ્રેવિસ હેડને આશા છે કે, તેની ટીમ એડિલેડમાં જીતશે. બંને ટીમો શુક્રવારથી એડીલેડમાં એ જ સ્થળે પિંક બોલ ટેસ્ટ રમશે જ્યાં ભારત 2020માં 36 રનમાં ઓલઆઉટ થયું હતું. તે મેચને યાદ કરતાં હેડે કહ્યું કે ’મને યાદ છે કે તે મેચ વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. અમે તે મેચનો ઘણો આનંદ માણ્યો હતો. તે ફરીથી આવું કરવું સારું રહેશે, પરંતુ મને નથી લાગતું કે તે આગામી મેચમાં થશે.
હેડને વિશ્વાસ છે કે, પ્રથમ ટેસ્ટમાં હાર છતાં તેની ટીમ પુનરાગમન કરવામાં સફળ રહેશે. તેણે કહ્યું કે, ’અમારી ટીમે પ્રતિકૂળ સંજોગોનો સારી રીતે સામનો કર્યો છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં અમે દરેક પડકારનો સારી રીતે સામનો કર્યો છે. પાછલાં વર્ષોમાં, ઘણી ટીમોએ તેમની પ્રથમ ટેસ્ટ મેચ હારીને બાઉન્સ બેક કર્યું છે અને સારું પ્રદર્શન કર્યું છે.
ટીમમાં કોઈ મતભેદ નથી
હેડે એમ પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની સંઘર્ષ કરી રહેલી ટીમમાં કોઈ પણ પ્રકારનો મતભેદ નથી. પ્રથમ ટેસ્ટ દરમિયાન જોશ હેઝલવુડ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ ટીમમાં સંભવિત મતભેદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.તેણે કહ્યું કે, ’અમને બંને વિભાગો પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને તે ખૂબ જ વ્યક્તિગત રમત છે. બેટિંગમાં અમે મજબૂત પકડ રાખવા માંગીએ છીએ અને અમને ખબર છે કે અમારાં બોલરોએ ભૂતકાળમાં કેટલું સારું પ્રદર્શન કર્યું છે.
પૌત્રોને આ મેચની કહાની કહીશું
હેડે કહ્યું કે, તે ભારતીય ફાસ્ટ બોલરનો સામનો કરવાનાં મુશ્કેલ પડકાર વિશે તેનાં પૌત્રોને ગર્વથી કહેશે. હેડે કહ્યું કે, ’જસપ્રીતને કદાચ સૌથી મહાન ઝડપી બોલર તરીકે ઓળખવામાં આવશે. જ્યારે હું ભવિષ્યમાં મારી કારકિર્દી પર વિચાર કરીશ ત્યારે હું ગર્વથી મારાં પૌત્રોને કહીશ કે મેં તેમનો સામનો કર્યો હતો.