અલગ અલગ 61 પાર્ટીઓને પાર્ટ્સનું વેચાણ કરી પેમેન્ટ મેળવી ભૂગર્ભમાં : માણાવદરના શખ્સની શોધખોળ
Rajkot,તા.01
શહેરમાં વધુ એકવાર લાખો રૂપિયાની ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલ રોડ પર આવેલી હ્યુન્ડાઇ ફોરવ્હીલના પાર્ટનું રીટેઇલ વેચાણ કરતી કોન્સેપ્ટ મોબીશ નામની કંપનીની રાજકોટ બ્રાંચના સેલ્સ એક્ઝીક્યુટીવ યુવાને નોકરીના સમયગાળા દરમિયાન અલગ અલગ ૬૧ પાર્ટીને રૂા. ૧૫,૦૧,૧૧૭ના ઓટોમોબાઈલ પાર્ટસ વેંચી તેના થકી મળેલી રકમ કંપનીમાં જમા ન કરાવી તેમજ બીજા ૪.૫૦,૦૦૦ના પાર્ટસ પણ ઓફિસમાંથી ગાયબ હોઇ તેમજ કર્મચારીએ નોકરી પર આવવાનું બંધ કરી દેતા રૂ. ૧૯.૫૧,૧૧૭ની રકમ જમા નહિ કરાવતા છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઇ છે.
મામલામાં ભક્તિનગર પોલીસે અમદાવાદ થલતેજ રોડ અભીપુષ્ય બંગલોઝમાં રહેતાં વિવેકભાઈ અશોકભાઇ ભંડારી (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી જુનાગઢના માણાવદરના દિપક ગોવિંદભાઇ વાળા વિરૂધ્ધ હુન્ડાઇ ફોરવ્હીલના સ્પેર પાર્ટ્સ વેંચતી કંપનીમાં નોકરી વખતે જુદી જુદી પાર્ટીને પાર્ટસ બારોબાર વેંચી દઇ રકમ વસુલી આ રકમ જમા કરાવવાને બદલે ઓળવી જવાનો ગુનો નોંધ્યો છે. વિવેકભાઇ ભંડારીએ જણાવ્યું છે કે હું હુન્ડાઇ ફોરવ્હીલના સ્પેર પાર્ટસનું વેંચાણ કરતી કોન્સેપ્ટ મોબીશ નામની કંપનીમાં વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નોકરી કરું છું. અમારી કોન્સેપ્ટ મોબીશ કંપનીની રાજકોટમાં બે બ્રાંચ છે જેમાં એક આજી જીઆઇડીસીમાં વેરહાઉસ તરીકે છે. જેમાં મેનેજર તરીકે ચેતનભાઈ વ્યાસ નોકરી કરે છે. બીજી બ્રાન્ચ ગોંડલ રોડ પર આહ્યા કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ચાર વર્ષથી ખોલવામાં આવી છે.
અમે જાન્યુઆરી-૨૦૨૫માં દિપક હસ્તકની ઓફિસમાં વેંચાણ થયેલા માલની એન્ટ્રી કોમ્પ્યુટરમાં ચેક કરતાં જે તે પાર્ટીના નામ સામે તેને કેટલા રકમનો માલ વેંચાયો તેની નોંધ હતી, જેમાં અલગ અલગ 61 પાર્ટીઓના નામ અને સામે રકમની નોંધ હતી. આ તમામ ૬૧ પાર્ટીઓને કુલ રૂા. ૧૫,૦૧,૧૧૭ના કારના પાર્ટ્સ દિપક વાળાએ વેંચ્યા હતાં. ચેતનભાઇને અમે આ પાર્ટીઓનો સંપર્ક કરી પેમેન્ટ ઉઘરાવવાનું કહેતાં ચેતનભાઇએ આ તમામ પાર્ટીઓનો સંપર્ક કરી જે તે પેમન્ટની રકમની ઉઘરાણી કરતાં તમામે કહેલુ કે અમે દીપકભાઈને રોકડેથી અથવા ઓનલાઇન પેમેન્ટ મોકલી દીધુ છે. બીજી તરફ દિપક વાળાએ ઓફિસે આવવાનું બંધ કરી દીધુ હતું. આ પછી અમે અમદાવાદની ટીમને રાજકોટ ઓફિસ ખાતે ઓડિટ કરવા મોકલી હતી. જેની તપાસમાં જાણવા મળેલુ કે જે પાર્ટીના બીલ હતાં તે સિવાયના પણ રૂા. ૪,૫૦,૦૦૦ના બીજા સ્પેરપાર્ટસ મળી આવ્યા નહોતા. અમે આથી પોલીસને અરજી કરી હતી. આજ સુધી દિપકે કંપનીમાં રૂા. ૧૯,૫૧,૧૧૭ જમા કરાવ્યા ન હોઇ દિપક વાળાએ વિશ્વાસઘાત છેતરપીડી કરી હોવાનું જણાતાં અંતે અમારે ફરિયાદ નોંધાવી પડી હતી. તેમ વધુમાં વિવેકભાઇ ભંડારીએ જણાવતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ જે. જે. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.