New Delhi, તા.17
ડેડીંકટ ફ્રેટ કોરિડોર (ડીએફસી)ને લઈને યાત્રી ટ્રેનોના સમય પાલનમાં 10-15 ટકાનો સુધારો થયો છે. જયારે માલગાડીઓ સરેરાશ 99 કિલોમીટર દર કલાકની ઝડપે દોડી રહી છે, જે રાજધાની એકસપ્રેસથી વધુ છે.
ભારતીય રેલવેના નેટવર્કમાં હવે યાત્રી અને માલ પરિવહન માટે અલગ પાટા છે. આથી સરકાર દિલ્હી-મુંબઈ અને દિલ્હી-કોલકાતા રેલ માર્ગ પર 160 કિલોમીટર દર કલાકની ગતિથી યાત્રી ટ્રેનો ચલાવવાનું લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈ અને દિલ્હી-કોલકતાના હાલના રેલમાર્ગ પર 70 ટકા માલગાડી ડીએફસી પર શિફટ થઈ ગઈ છે.
આનો ઉદેશ વ્યસ્ત દિલ્હી-મુંબઈ અને દિલ્હી કોલકતા માર્ગોથી માલગાડીઓની અવર-જવરને અલગ કરવાનો છે. આથી હાલના રેલમાર્ગો પર કંજેશન 70 ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય છે.
દિલ્હીથી મુંબઈ, કોલકાતા માર્ગ પર 160 કી.મી.ની ઝડપઃ રેલવેના લક્ષ્ય મિશન રફતાર અંતર્ગત દિલ્હી-મુંબઈ, દિલ્હી-કોલકાતા (દિલ્હી-હાવડા) રેલમાર્ગો પર યાત્રી ટ્રેનોના યાત્રા સમયમાં ઘટાડો કરવાનો છે. યાત્રી ટ્રેનોની અધિકતમ ગતિ વધારીને 160 કિલોમીટર દર કલાકનો કરવાનો છે.
હાલ સુપરફાસ્ટ ટ્રેનોની સરેરાશ અધિકતમ ગતિ લગભગ 130 કી.મી. દર કલાકની છે. દિલ્હી-મુંબઈ વચ્ચેનો યાત્રા સમય ઘટાડીને 10 કલાક અને દિલ્હી-કોલકાતા વચ્ચે 12 કલાકનો કરવાનું લક્ષ્ય છે.
ડીએફસી પર રોજ સરેરાશ 391 માલગાડીઓ ચલાવાઈઃ ડીએફસી પર માલગાડીઓની સરેરાશ ગતિ લગભગ 25 કી.મી. દર કલાકથી વધારીને 70-80 કી.મી. દર કલાક કરવામાં આવી છે. કેટલાક સેકશન પર તે 99 કી.મી. દર કલાક રહી.
માલગાડીઓ માટે સમર્પિત ટ્રેક બનવાથી તે લાંબા, ભારે અને ડબલ-સ્ટેકડ કન્ટેનર ટ્રેનોનું સંચાલન કરી શકે છે. જેથી માલનું પરિવહન ઓછા સમયમાં અને ઓછા ખર્ચે થયું છે. જાન્યુઆરી 2025માં બન્ને કોરિડોર પર દરરોજ સરેરાશ 391 માલગાડીઓ ચલાવવામાં આવી.