Mumbai,તા.06
ટાઇગર શ્રોફને યુવા પેઢીના એક્શન સ્ટાર તરીકે સ્થાપિત કરવામાં બાગી ફ્રેન્ચાઇઝીએ મોટી ભૂમિકા ભજવી છે. તેની શરૂઆત 2016માં થઈ હતી. આ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ હિટ રહી હતી, ત્યારબાદ બાગી 2 વધુ સફળ રહી હતી. પરંતુ 2020માં આવેલી બાગી 3 ફિલ્મ ચાલી નહીં, કદાચ આ જ કારણ છે કે તેની ચોથી ફિલ્મ બાગી 4 પાંચ વર્ષ બાદ કોઇ પણ પ્રકારનાં વધુ પ્રમોશન વગર થિયેટરોમાં પહોંચી ગઇ છે.
જો કે આ ફિલ્મ પાસેથી અપેક્ષા રાખવી વ્યર્થ છે. ફિલ્મની વાર્તા એમ છે કે ડિફેન્સ ઓફિસર રોની (ટાઇગર શ્રોફ) એક અકસ્માત બાદ કોમામાં જાય છે. સાત મહિના પછી, જ્યારે તે કોમામાંથી જાગે છે, ત્યારે તે અકસ્માતમાં પોતાનો પ્રેમ અલિશા (હરનાઝ સંધુ) ગુમાવવાના દુઃખમાંથી બહાર આવી શકતો નથી.
જ્યારે, ડોક્ટરથી લઈને તેનાં ભાઈ શ્રેયસ તલપડે સુધી, દરેક જણ તેને ખાતરી આપે છે કે અલિશા નામની કોઈ છોકરીનું અસ્તિત્વ જ નહોતું. આ બધું જ તેની ભ્રમણાઓ છે. તેના જીવનમાં પ્રેમની કમીને પૂરી કરવા માટે ડાન્સર ઓલિવિયા ઉર્ફે પ્રતિષ્ઠા (સોનમ બાજવા)ની પણ એન્ટ્રી થાય છે.
ઇન્ટરવલ સુધી વાર્તા રોનીની વાસ્તવિકતા અને સ્વપન વચ્ચે ખેંચાતી રહે છે, પરંતુ રોની અલિશાને ભૂલતો નથી અને પાગલની જેમ તેને શોધતો રહે છે. શું અલિશા વાસ્તવિકતા છે કે રોનીની કલ્પના છે? શા માટે દરેક જણ તેને જુઠ્ઠો સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે? શું તે અલિશા સુધી પહોંચી શકે છે?
આ બધેં જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. સાચું કહું તો ધીમી ગતિએ આગળ વધી રહેલી આ સ્ટોરી દર્શકો માટે પણ એક ડરામણા સ્વપન સમાન છે, જેમાં લાંબા સમયથી તેમને સમજાતું નથી કે શું ચાલી રહ્યું છે.
આ ફિલ્મનું લેખનકાર્ય એના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ પોતે લીધું છે અને લાગે છે કે રોની કરતાં સાજિદ પોતે વધુ વહેમમાં છે. પટકથા ખૂબ જ ખરાબ છે. એનિમલની સફળતા બાદ માસ્ક પહેરેલાં ગુંડાઓના ટોળાને કુહાડી અને ધારિયા વડે કાપવાના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. આ પુનરાવર્તન પણ છે. ઘણાં દ્રશ્યો એનિમલની નકલ હોય તેવું લાગે છે.
એક્ટિંગની વાત કરીએ તો પર્ફોમન્સ પણ કંઇ ખાસ નથી. ટાઇગર શ્રોફે ઘણી કોશિશ કરી છે, પરંતુ તેને એક્ટિંગ આવડતી નથી, આ ફિલ્મમાં પણ તે પોતાની એકશન બતાવી રહ્યો છે. હરનાઝ સિંધુ તેની ડેબ્યૂ ફિલ્મમાં સારી લાગી રહી છે. જોકે, તેણે હજુ એક્ટિંગમાં કામ કરવાનું બાકી છે. સોનમ બાજવા તેનાં પાત્રમાં છે.
સંજય દત્ત ઠીક છે, જ્યારે સૌરભ સચદેવ હવે આવા નેગેટિવ પાત્રોમાં ટાઇપકાસ્ટ થઇ રહ્યાં છે. બાકીનાં કલાકારોમાં ઉપેન્દ્ર લિમયે થોડી રાહત આપે છે. સાથે જ શ્રેયસ તલપડે સામાન્ય લાગે છે. સિનેમેટોગ્રાફી અને બીજીએમ અસરકારક છે.