New Delhi,તા.૮
બાબર આઝમ લાંબા સમયથી ફ્લોપ રહ્યો હતો, પરંતુ તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં કેટલીક સારી ઇનિંગ્સ રમી છે. જેના કારણે તેને આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હતો. જ્યાં તેણે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેને ટેસ્ટ રેન્કિંગમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. એક સમય એવો હતો જ્યારે અન્ય કોઈ બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડી શકતો ન હતો, પરંતુ હવે વિરાટ કોહલીની રેન્કિંગ એટલી બગડી ગઈ છે કે તે ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ૩૦માંથી બહાર જવાની આરે છે.
પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીની ૪ ઇનિંગ્સમાં ૪૮.૨૫ની એવરેજથી ૧૯૩ રન બનાવ્યા છે. આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તે બીજા સ્થાને રહ્યો. જેના કારણે તેને રેન્કિંગમાં ફાયદો થયો છે. તેણે ૫ સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે ૧૨મા સ્થાને પહોંચી ગયો છે. તેના રેટિંગ પોઈન્ટ વધીને ૬૯૭ થઈ ગયા છે.
બીજી તરફ જો વિરાટ કોહલીની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ સિરીઝની ૫ મેચની ૯ ઇનિંગ્સમાં તેણે માત્ર ૧૯૦ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. તે ૬૧૪ રેટિંગ પોઈન્ટ સાથે ૨૭માં સ્થાને આવી ગયો છે. વિરાટ કોહલી સતત નીચેની તરફ સરકી રહ્યો છે. વિરાટ કોહલી થોડા દિવસોમાં ટોપ ૩૦માંથી બહાર થઈ શકે છે.
આઈસીસી ટેસ્ટ રેન્કિંગ પર એક નજર કરીએ તો ટોપ ૪માં માત્ર એક ભારતીય ખેલાડીનું નામ છે. આ રેન્કિંગમાં પ્રથમ સ્થાને જો રૂટનું નામ સામેલ છે. ઈંગ્લેન્ડનો હેરી બ્રુક બીજા સ્થાને, ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન ત્રીજા સ્થાને, યશસ્વી જયસ્વાલ ચોથા સ્થાને અને ટ્રેવિસ હેડ પાંચમા સ્થાને છે. યશસ્વી જયસ્વાલ પછી ભારતીય ખેલાડીઓમાં રિષભ પંત સર્વશ્રેષ્ઠ રેન્કિંગ ધરાવે છે.