Mumbai,તા.24
પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. થોડા સમય પહેલાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી. ધર્મેન્દ્રના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી પ્રસરી છે. હાલ, તેમના પરિવારજનો અને સિનેમા જગતના કલાકારો અને મિત્રો તેમને અંતિમ ઘડીએ અલવિદા કહેવા સ્મશાન પહોંચી રહ્યા છે. બોલિવૂડમાં ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન ‘જય-વીરૂ’ની જોડીથી પ્રખ્યાત છે. જોકે, હવે આ જોડી તૂટી ગઈ છે. એક્ટર અમિતાભ બચ્ચન ધર્મેન્દ્રને અંતિમ વિદાય આપવા માટે સ્મશાન પહોંચ્યા છે. એક્ટર ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની પતિના દેહાંત બાદ અંતિમ સંસ્કારની વિધિ માટે સ્મશાન પહોંચ્યા છે. આ દરમિયાન હેમા માલિની ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા, તેમની આંખોમાં આંસુ હતા અને પતિને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. આ સિવાય ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલ પણ સ્મશાન પહોંચી હતી. એશા દેઓલે સફેદ રંગનો ડ્રેસ પહેરેલો હતો અને અશ્રુભિની આંખે પિતાને અલવિદા કહેવા પહોંચી હતી. આ દરમિયાન તેમણે પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકી રાખ્યો હતો.

