Rajkot. તા.23
બગસરાના માણેકવાડા ગામના સરપંચ અને ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે રૂ.4.25 લાખની ઠગાઈ થતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલિસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. સરપંચે ઉછીના લીધેલ રૂપીયાની ભરપાઈ કરવાં પોતાની લકઝરી બસ મોટા દડવાના શખ્સને રૂ.6.30 લાખમાં વેંચ્યા બાદ આરોપીએ રૂ.2.05 લાખ આપી હાથ ઊંચા કરી વિશ્વાસઘાત કર્યો હતો.
બનાવ અંગે બગસરાના માણેકવાડા ગામે રહેતાં વિપુલભાઇ વજુભાઈ સાવલીયા (ઉવ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નયનપરી પ્રતાપપરી ગોસ્વામી (રહે. મોટા દડવા, ગોંડલ) નું નામ આપતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ માણેકવાડા ગામમાં છેલ્લા દોઢેક વર્ષથી સરપંચ તરીકે સેવા આપે છે. તેમજ ટ્રાવેલ્સ નો ધંધો પણ કરે છે. તેમની બસો સ્પેશિયલ ટુર, લગ્ન પ્રસંગ, ધાર્મિક યાત્રાઓમાં ભાડે આપે છે. બસ નં. જીજે.01.બીવી.9086 જે આઠેક મહીના પહેલા અમદાવાદથી લીધેલ હતી.
ગઇ તા.05/07/2024 ના ગોંડલ ગામના નીખીલભાઈ દેત્રોજા પાસેથી રૂ.1.55 લાખ એક મહીના માટે ઉછીના લીધેલ હતા. પૈસાની ગેરેંટી માટે લક્ઝરી બસ મુકેલ હતી. ત્યારબાદ એક મહીના બાદ તેમની પાસે પૈસાની વ્યવસ્થા ન થતા લક્ઝરી બસ વેચીને નીખીલભાઈને પૈસા આપી દેવા બાબતે વાત કરેલ હતી.
જેથી દોઢેક મહીના પહેલા તેમને રૂપીયા લેવા સમયે વચ્ચે રહેનાર વિશાલે ફોન કરી વાત કરેલ કે, તમારે લક્ઝરી બસ વેચવાની હોય તો એક ખરીદના2 મારા ઓળખીતા નયનપરી ગૌસ્વામી છે, જેથી તેને બસ ગોંડલ ખાતે મુકેલ છે, ત્યા જઇ જોઇ લેવાનું કહેલ હતું. ત્યારબાદ તા.30/07/2024 ના નયનપરી ગૌસ્વામી બસ જોઈ આવેલ અને ફોન કરી બસ ખરીદવા માટે વાતચીત કરેલ હતી. ફરિયાદીએ બસ કિંમત રૂ.6.30 લાખમાં વેચવાનુ નક્કી કરેલ હતુ. જે પૈસા પૈકી રૂ.1.55 લાખ નયનપરીએ તા.01/08/2024 ના નિખીલ દેત્રોજાને ગુંદાળા ચોકડી ખાતે વિશાલ હસ્તક આપેલ હતા.
તેમજ બસના ઓરીજનલ તમામ ડોક્યુમેન્ટ નયનપરી ત્યાથી લઇ ગયેલ અને ત્યારબાદ બીજા રૂ.50 હજાર તેમના કહેવાથી તેઓના ઓળખીતા વિશાલપરી ગૌસ્વામીને મોટા દવા ગામે આપેલ હતા. ત્યારબાદ બાકી રહેલ રૂ.4.25 લાખ નયનપરીએ આપેલ ન હોય અને વાયદા કરતા હોય જેથી તા.12/08/2024 ના નયનપરીને રૂ.300 ના સ્ટેમ્પ ઉપર બસનો વેચાણનો નોટરી કરાર કરેલ હતો જેમાં આ બસની કિંમત રૂ.6.30 લાખ પૈકી નયનપરીએ બાકીની રકમ રૂ.4.25 લાખ એક મહીનામાં સુધીમાં લોન દ્વારા ચુકવી આપવા તેવું લખાણ કરવામાં આવેલ હતું.
ત્યારબાદ આરોપીએ બાકીની રકમ ચુકવેલ નથી જેથી આરોપીએ ખોટા વાયદાઓ કરી રૂ.4.25 લાખની છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ જે.પી.ગોસાઈએ તપાસ હાથ ધરી હતી.