કુવાડવા રોડ “ડી માર્ટ’ પાસેથી રૂ.18 લાખની કિંમતના ૩૬૨ ગ્રામ હેરોઈન પકડાયું હતું
Rajkot,તા.23
શહેરમાં કુવાડવા રોડ ઉપર આવેલ “ડી માર્ટ’ પાસેથી રૂ.18 લાખની કિંમતના ૩૬૨ ગ્રામ હેરોઈનના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં કુવાડવા રોડ ઉપર આવેલ “ડી માર્ટ’ ખાતે ફૈઝલ યુસુફભાઈ ચૌહાણ (રહે. પરાબજાર) નામનો શખ્સ માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે લાવ્યો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે દરોડો પાડી રૂ.18 લાખની કિંમતના ૩૬૨ ગ્રામ હેરોઈનના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જે ગુનામાં જેલ હવાલે રહેલા આરોપી ફૈઝલ ચૌહાણે ચાર્જશીટ બાદ જામીન મુક્ત થવા માટે કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ ડી. એસ. સિંઘે આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સમીર એમ. ખીરા રોકાયા હતા.