Rajkot,તા.21
રાજકોટની સબ-રજીસ્ટ્રાર કચેરીમાં આર્થિક લાભ મેળવવાના ઈરાદે પૂર્વ આયોજિત કાવતરું રચી, ઠગાઈ કરી, કચેરીમાં ગેરકાયદે પ્રવેશ કરી, દસ્તાવેજના કાયમી રેકર્ડમાં નુકસાન પહોંચાડી, ફાડી નાખી પુરાવાનો નાશ કરી અને સરકારી કચેરીના કોમ્પ્યુટરમાં રહેલા દસ્તાવેજોના સ્કેનીંગ રેકર્ડને ડીલીટ કરી તેની જગ્યાએ ખોટા દસ્તાવેજોને સ્કેનીંગ કરીને ચડાવવાના ગુનામાં મનીષ ઉર્ફે મનુભા હેરમાની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. વધુ વિગત મુજબ રાજકોટ સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારી અતુલભાઈ મધુભાઈ દેસાઈએ તા. ૧૧/૧૨/૨૦૨૪ન રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં હર્ષ સોહેલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા, મનીષ ઉર્ફે મનુભા રમણીકભાઈ હેરમા અને કિશન ચાવડાનાઓએ તા. ૨૩/૦૨/૨૦૨૩ થી તા. ૧૮/૦૫/૨૦૨૪ સુધીમાં ૧૭ ખોટા બનાવટી દસ્તાવેજો ઊભા કરી કચેરીના કોમ્પપ્યુટરમાં રહેલા હસ્ત લેખિત દસ્તાવેજના સ્કેનિંગ રેકર્ડમાં ચડાવી મિલકત એક વ્યક્તિથી બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી સબ-રજીસ્ટ્રાર કચેરીના મૂળ દસ્તાવેજી રેકર્ડનો નાશ કરી નવો દસ્તાવેજ બનાવી મૂળ દસ્તાવેજની જગ્યાએ ફેર બદલ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈ.પી.સી. કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૭, ૪૪૭, ૧૨૦(બી), ૩૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ તા. ૨૪/૧૦/૨૦૨૪ ના રોજ મામલતદાર, પશ્ચિમના ઈ-ધરામા ફાઈલમા તા. ૨૨/૧૦/૨૦૨૪ નું પ્રકરણ મોજે ગામ રૈયાના સર્વે નં. ૨૭૭/૧ ના પ્લોટ નં. ૪૨ ના ગામ નમુના નં. ૨ માં દાખલ કરવામાં આવેલી નોંધ રદ્દ કરવાના કામે અરજી મળેલી હતી જેમાં અસલ દસ્તાવેજ નં. ૧૩૦૫/૧૯૭૨ ની ખરાઈ કરવા જણાવેલ જે અંતર્ગત કચેરીના કોમ્પ્યુટરમાં સ્કેનીંગ થયેલ હસ્ત લેખિત રેકર્ડમાંથી ખરાઈ કરતા સાથે આવેલ દસ્તાવેજોની નકલ સરખાવતા, બન્ને દસ્તાવેજમાં વિસંગતતા ધ્યાનમાં આવેલ અને વધુ ખરાઈ કરતા રાજકોટ શહેરની કિંમતી કરોડો રૂપિયાની અલગ અલગ મિલકતના દસ્તાવેજોમાં વિસંગતતા જોવા મળલી અને તેમાં મૂળ દસ્તાવેજમાં નામ છે તેનાથી અલગ નામો જોવા મળેલ જેથી આ સમગ્ર કૌભાંડ બહાર આવેલ અને જે સંબંધેની તપાસમાં ખુલ્યો હતું.પ્ર.નગર પોલીસે મનીષ ઉર્ફે મનુભા રમણીકભાઈ હેરમાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવતા જેલ હવાલે રહેલા મનીષ ઉર્ફે મનુભાએ જામીન પર છૂટવા અદાલતમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એપીપી પરાગ શાહ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં ડુપ્લીકેટ ચાવીથી સરકારી રેકર્ડ ચોરી કરી અન્ય આરોપીને આપી એકબીજાની મદદ કરી ગંભીર ગુનો આચરેલ છે. સરકારી રેકર્ડને નુકસાન કરેલ છે કોઈપણ હિસાબે સહજતાથી સરળતાથી તે હળવાશથી લઈ શકાય નહીં આરોપી હર્ષ સાહેલિયાને હાઇકોર્ટે રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ હોય તે આરોપીને પેરિટી આરોપીને લાગુ પડશે નહીં આમ સરકારની દલીલ પોલીસ પેપર પોલીસ અભીપ્રાય આરોપીનો રોલ ધ્યાને લઇ તેમજ વડી અદાલતના ટાકેલા ચુકાદા ધ્યાને લઇ અધિક સેશન્સ જજે આરોપી મનીષ હેરમાની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે.