Rajkot,તા.19
રાજકોટમાં પ્રેમિકાને આપઘાત કરવાની ફરજ પાડવાના ગુનામાં પરિણીત આરોપીની જામીન અરજી સેશન્સ અદાલતે નામંજુર કરી છે.
આ અંગેની હકીકત મુજબ, ગત તા.2- 4- 2025ના રોજ રાજકોટમાં કેવલમ આવાસ યોજના ક્વાર્ટર નંબર 1555માં રહેતી રુકસાનાબેન ઉર્ફે ઋષિબેન ઓસમાણભાઈ જુણેજાએ સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો. જે બનાવ અંગે મરણ જનારના ભાઈ ઇમ્તિયાઝ ઓસમાણભાઈ જુણેજાએ તા.3- 4- 2025ના રોજ ગાંધીગ્રામ-2 (યુનિ) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે મરણ જનાર તેમની બહેન સાથે હાલ પરિણીત શખ્સ રફીક ઉંમરભાઈ ભાણું (રહે. સંધિવાસ, મેઇન બજાર ટંકારા)એ 17 વર્ષથી પ્રેમ સંબંધ રાખી અને આરોપીના છેલ્લા 13 વર્ષથી બીજે નિકાહ થયેલ હોવા છતાં ફરિયાદીના બહેન મરણજનાર રુકસાનાબેન સાથે પ્રેમસંબંધ રાખી બાદમાં રુકસાનાબહેનને હેરાન પરેશાન કરી ત્રાસ દુ:ખ આપી તરછોડી દીધેલ અને મરણજનારને મરવા માટે મજબૂર કરી દીધેલ તે બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કરેલ, ત્યારબાદ જેલમાં રહેલ આરોપી રફિક ઉંમરભાઈ ભાણુંએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે મરણ જનાર પાસેથી સુસાઇડ નોટ મળી આવેલ છે અને તેમાં આરોપીના ત્રાસ અને તરછોડી દીધાના હિસાબે તેઓ આપઘાત કરે છે, તે બાબતનો ઉલ્લેખ છે. પોલીસ તપાસ ચાલુ હોય આરોપી વિરુદ્ધ પ્રાઈમાફેઈસી કેસ હોય તેથી આરોપીને જામીન આપવા જોઈએ નહીં, તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી. જે. તમાકુવાળાએ આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.