GST નો કાયદો સ્પેશિયલ એક્ટ છે જેમાં પોલીસ એફઆઈઆર દાખલ કરી જેલમાં રાખી શકે નહીં , એડવોકેટ તુષાર ગોકાણીની દલીલો હાઇકોર્ટે માન્ય રાખી
Rajkot,તા.06
દેશભરમાં ચકચારી પત્રકાર મહેશ લાંગાના કરોડોના જી.એસ.ટી. બિલિંગ કૌભાંડમાં રાજકોટના મુખ્ય સૂત્રધારના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યાં છે. જીએસટીનો કાયદો સ્પેશિયલ એક્ટ છે જેમાં પોલીસ એફઆઈઆર દાખલ કરી વ્યક્તિને જેલમાં રાખી શકે નહીં તેવી એડવોકેટ તુષાર ગોકાણીની દલીલો હાઇકોર્ટે માન્ય રાખી છે.
આ કેસની વિગત મુજબ, રાજકોટના ડી.સી.બી. પોલીસ મથકે જી.એસ.ટી.ના બે અધિકારીઓએ નોંધાવી બે અલગ અલગ ફરીયાદોમાં જણાવેલ હતુ કે ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની પેઢી તથા પરમાર એન્ટરપ્રાઈઝ નામની બીજી પેઢીએ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે રજીસ્ટ્રેશન મેળવી કોઈ પણ પ્રકારનો માલ સપ્લાય કર્યા વિના ખોટા બીલો બનાવી વિવિધ પેઢીઓને ઈનપુટ ટેકસ ક્રેડીટ ગેરકાનુની રીતે મેળવવામાં કાવતરૂ રચી મદદગારી કરેલ છે. પોલીસ તપાસ દરમ્યાન જણાયેલ હતુ કે બંને મુળ પેઢીઓના માલિકોએ તબલાવાદક જેવા ગરીબ માણસોના આધાર અને પાનકાર્ડ મેળવી જી.એસ.ટી. હેઠળ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ત્યારબાદ આ બંને પેઢીઓએ બંને કેસોમાં ૧૫ થી વધારે બીલો બનાવી અલગ અલગ પેઢીઓને આપેલ છે જે દરમ્યાન કોઈ જ માલ વેચાણથી આપવામાં આવેલ નથી. જે પેઢીઓના નામના બીલ બનેલ છે તે પેઢીઓએ બંને મુળ પેઢીઓને ચેકથી કરોડોની રકમ ચુકવેલ છે. ત્યારબાદ આ પેઢીઓએ ઈનપુટ ટેક્સ ક્રેડીટ હેઠળ કરોડોની રકમ જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટ પાસેથી પરત મેળવેલ છે. તપાસ દરમ્યાન જણાયેલ હતુ કે બંને મુળ પેઢીઓએ બીજી ૧૫ પેઢીઓને દોઢ વર્ષ દરમ્યાન ફકત એક જ વખત બીલો આપેલ છે. આ ગુનામાં આર. કે. એન્ટરપ્રાઈઝ નામે સાધુવાસવાણી રોડ પર પેઢી ધરાવતા આરોપી રેનીશ મનસુખભાઇ ચાંગેલાએ સેશન્સ કોર્ટમાં જામીન રદ થયાં પછી હાઇકોર્ટમાં એડવોકેટ તુષાર ગોકાણી મારફત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેઓએ આરોપીઓ તરફે રજુઆત કરેલી કે, આરોપી સામે ફકત જી.એસ.ટી. કાયદા હેઠળ ફોજદારી કેસ થઈ શકે. જેમાં તેઓને ૩ વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે. તેથી જામીન મુકત કરવા જોઈએ. જી.એસ.ટી. કાયદા હેઠળ ગુનો બનતો હોય ત્યારે ભારતીય ફોજદારી સંહિતા હેઠળ બનાવટી દસ્તાવેજો ઉભા કર્યાની કલમો લાગુ કરી શકાય નહી. જીએસટીનો કાયદો સ્પેશિયલ એક્ટ છે. જેમાં પોલીસ એફઆઈઆર દાખલ કરી વ્યક્તિને જેલમાં રાખી શકે નહીં. એડવોકેટ તુષાર ગોકાણીની દલીલો માન્ય રાખી હાઇકોર્ટ દ્વારા આરોપીઓ રેનીશ ચાંગેલાને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, પ્રતિક જસાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભુમિકા નંદાણી રોકાયેલ હતા.