હરિદ્વાર નૈનીતાલના યાત્રા પ્રવાસના બહાને છ પરિવારો સાથે રૂપિયા 4.30 લાખની ઠગાઇ કરી હતી
Rajkot,તા.07
હરિદ્વાર નૈનીતાલના યાત્રા પ્રવાસના બહાને છ પરિવારો સાથે કુલ રૂપિયા 4.30 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદના આરોપી ટૂર્સ ટ્રાવેલ્સ ધંધાર્થીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ હિતેન્દ્ર દેવજીભાઈ પન્સુબીયાએ તેના કુટુંબીજનો સાથે નૈનીતાલ તેમજ હરિદ્વાર મુકામે યાત્રા પ્રવાસ માટે ટૂર્સ ટ્રાવેલ્સ ધંધાર્થી સંદીપ મેઘાણી ઉર્ફે સંજય પટેલનો સંપર્ક કર્યો હતો, જેમાં હરિદ્વાર તેમજ નૈનીતાલનો આખો જવા – આવવાનો પ્લાન, રહેવા જમવાનું તથા બસ ફ્લાયટનું બુકિંગ વગેરે
માટે એક વ્યક્તિ દીઠ રૂ. ૩૦ હજાર નક્કી કરેલા અને ત્યારબાદ છ પરિવારોને તા. ૧૫/ ૦૫/ ૨૦૨૪ના રોજ ફરવા જવાનું નક્કી કરેલું. જે પેટે અલગ અલગ તારીખે કુલ ૪.૩૦ લાખ રૂપિયા હિતેન્દ્ર પન્સુબિયાએ સંદીપ મેઘાણીના ખાતામાં ટ્રાન્સફર કરેલા અને રકમ મળ્યા બાદ સંજય પટેલ ઉર્ફે સંદીપ મેઘાણીએ હિતેન્દ્રભાઈના ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલ અને ટુરમાં પણ લઇ ગયેલ નહિ, જેથી હિતેન્દ્ર પન્સુબિયાએ દ ગાંધીગ્રામ -ર(યુની) પો. સ્ટે.માં તા. ૧૫/ ૧૨/ ૨૦૨૪ના રોજ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.જેથી આરોપી સંજય પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં આઠ માસ બાદ પાછળથી ગોઠવણી કરીને ફરિયાદ કર્યા સહિતની દલીલો તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ, જે ધ્યાને લઇ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સંજય પટેલ ઉર્ફે સંદીપ મેઘાણીના આગોતરા જામીન મંજુર કરાયા હતા. આ કામમાં આરોપી વતી એડવોકેટ અશ્વિન ગોસાઈ, ચિત્રાંક એસ.વ્યાસ, નેહા પી.રાવલ, રવિ મૂલીયા, કશ્યપ ઠાકર, બીનાબેન પટેલ ભાવિન રુધાની, હાજીભાઇ કાંટેલિયા, રીનાબેન સરના, અભી કામલીયા, સાગર પ્રજાપતિ, સચિન ગોસ્વામી યશ ભીંડોરા, રાજુભાઈ ગોસ્વામી, વૈશાલી ચાવડા, પ્રાંત શુક્લા, ધનરાજસિંહ જાડેજા રોકાયા હતા.