Moscow તા.14
રશિયાએ બુધવારે મેસેજિંગ એપ્સ, વોટ્સએપ અને ટેલિગ્રામ પર કોલિંગને લઈને નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. રશિયાના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, આ એપ્સ હવે મુખ્ય વોઈસ સર્વિસ બની ગઈ છે, જેનો ઉપયોગ છેતરપિંડી, પૈસા પડાવવા અને રશિયાના નાગરિકોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે થઈ રહ્યો છે. આથી આ પગલું અપરાધ અને છેતરપિંડીને રોકવા માટે લેવામાં આવ્યું છે.
રશિયન સુરક્ષા એજન્સીઓ દાવો કરી રહી છે કે યુક્રેન ટેલિગ્રામ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રશિયામાં તોડફોડ તેમજ હુમલા જેવી પ્રવૃત્તિઓ કરવવા માટે લોકોની ભરતી કરી રહ્યું છે. આ જ કારણોસર, રશિયા ઈચ્છે છે કે આ મેસેજિંગ પ્લેટફોર્મ્સ કાયદા અમલીકરણ એજન્સીઓની માંગ પર ડેટા પૂરો પાડે છે.
રશિયાનું કહેવું છે કે, આ એપ્સ માત્ર છેતરપિંડીના કેસોમાં જ નહીં, પરંતુ આતંકવાદ સંબંધિત કેસની તપાસ માટે પણ જરૂરી ડેટા ઉપલબ્ધ કરાવે. જ્યાં સુધી આ શરત પૂરી નહીં થાય, ત્યાં સુધી કોલિંગ ફીચર પર પ્રતિબંધ ચાલુ રહેશે.
રશિયાના ડિજિટલ મંત્રાલયે જણાવ્યું કે, ’વિદેશી મેસેન્જર એપ્સમાં કોલિંગ એક્સેસ ત્યારે જ પુન:સ્થાપિત થશે, જ્યારે તેઓ રશિયન કાયદાનું પાલન કરવાનું શરૂ કરશે.’