Rajkot. તા.08
રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડ સામે આવેલ હોસ્ટેલ ભાડે રાખી બેંગ્લોરના દંપતીએ રૂ.38.67 લાખની છેતરપીંડી આચરી હતી. જેમાં મારવાડી યુની.માં અભ્યાસ કરતાં દક્ષિણ ભારતના 56 વિદ્યાર્થીઓના રહેવા જમવાના નામે રૂ.24.23 લાખ, વેપારીના ભાડાના 4.44 લાખ અને અન્ય બે વેપારી પાસેથી કેન્ટીન ચાલું કરવાં અને હોસ્ટેલ ભાડે આપવાનું કહીં રૂ.10 લાખ ઉઘરાવી દંપતી ભાગી જતાં કુવાડવા રોડ પોલીસે બેંગ્લોરના દંપતી સામે ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે રાજકોટમાં મોરબી રોડ પર રામ પાર્ક મેઈન રોડ પર રહેતા ઉદયભાઈ કાનાભાઈ મકવાણા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પી સુર્યનારાયણ રેડ્ડી ઉર્ફે વિક્ટર રેડી અને તેની પત્ની અર્ચનાબેન પી સૂર્યનારાયણ રેડ્ડી (રહે. બંને બેંગ્લોર, કર્ણાટક) નું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મોરબી રોડ પરના બેડી માર્કેટીંગ યાર્ડની સામે દેવ દ્રારકાધીશ નામની હોસ્ટેલ તથા રેસ્ટોરેન્ટ ધરાવી વેપાર કરે છે. ગઇ તા. 21/11/2024 અગાઉ ત્રણેક માસ પહેલા તેઓની હોટલે પી સુર્યનારાયણ રેડ્ડી ઉર્ફે વિક્ટર રેડી અવાર નવાર ચા પાણી પીવા માટે આવતો હતો.ત્યારે પુછેલ કે, તમારે ભાગમા હોસ્ટેલ કરવી છે, જેથી તેને કહેલ કે, આ મારો વિષય નથી તો તેણે કહેલ કે રેન્ટ પર આપશો જેથી તેને વિચારીને કહું છું, તા.21/11/2024 ના બારેક વાગ્યે તે હોટલે આવેલ અને પુછેલ કે, મને રેન્ટ પર કયા ભાવથી આપશો જેથી કહેલ કે, દર મહિને દોઢ લાખ રૂપિયા ભાડુ થશે અને અગિયાર મહિનાનુ એગ્રીમેન્ટ કરવુ પડશે જે વાતચીત કરી બંન્ને વચ્ચે મહિને રૂ.1.11 લાખ ભાડુ નક્કી થયેલ હતું.
બંન્ને તા.23/11/2024 ના ભેગા થયેલ અને વકીલ પાસે એગ્રીમેન્ટ કરાવેલ હતુ. ત્યારથી જ આ રેડ્ડીભાઇ હોસ્ટેલ ભાડે ચલાવતા હતા તેની સાથે તેની પત્ની અર્ચનાબેન રહેતી હતી. હોસ્ટેલનુ નામ આંધ્રા રૂચુળુ હોસ્ટેલના નામથી ચલાવતા હતાં. જેમા મારવાડી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ રહેતા હતા. જેમાં આશરે 50 વિદ્યાથીઓના રહેવા તથા જમવાની ફી દંપતી લેતાં હતાં. હોસ્ટેલમાં જમવાનુ બનાવવા માટે ફુડ લાયસન્સ રેડીભાઈના પત્ની અર્ચનાબેનના નામે છે, શરૂઆતના પેમેન્ટ ટાઇમ ટુ ટાઇમ આપી દેતા હતા.
છેલ્લા ચાર મહિનાથી ભાડુ આપેલ ન હોય જેથી તેઓ હોસ્ટેલમા ભાડુ લેવા અવાર નવાર જતાં હતાં. તે વખતે આરોપી દંપતી કહેતા હતા કે, હોસ્ટેલમા રહેતા વિદ્યાર્થીઓની ફી જમા થયેલ નથી. અમારી પાસે તમારૂ ભાડુ આપવાનુ પેમેન્ટ નથી જેથી ફી આવ્યેથી તમારૂ ભાડુ એક સાથે આપી દઈશુ તેમ કહી મને વિશ્વાસમા રાખ
ગઇ તા.24/07/2025 ના આરોપી દંપતી પાસે હોસ્ટેલનું ભાડુ લેવા જતા હોસ્ટેલમા રહેતા વિદ્યાર્થીઓ તરફથી જાણવા મળેલ કે, આ રેડીભાઈ અને તેના પત્ની આજે હોસ્ટેલથી જતા રહેલ છે, જેનો ફોન બંધ છે.
ફરીયાદીને તેની પાસેથી ચાર મહિનાના ભાડાના રૂ.4.44 લાખ લેવાના હતા. ત્યા હોસ્ટેલના છોકરાઓ મળેલ તેઓએ વાત કરેલ કે, રેડી અંકલ અહીંથી જતા રહેલ છે અને અમારા 56 વિદ્યાર્થીઓના રૂ.24,23 લાખ લઇ ગયેલ છે. અમુક છોકરાઓએ રેડીભાઈના પત્ની અર્ચનાબેનના ખાતામાં રૂપિયા નાખેલ હતા.
તેમજ જણાવેલ કે, અમારું જમવાનુ બનાવવા વાળા પણ જતા રહેલ છે જેથી બાજુમા સાઉથ ઇન્ડીયન કેન્ટીનને ગંગાધર ભુમૈયા જોગા પણ મળેલ અને વાત કરેલ કે, મારી પાસેથી પણ તમારી હોસ્ટેલ ભાડે દેવાના નામે રૂ.5 લાખ આ રેડી ભાઇ લઇ ગયેલ છે જે ઓનલાઇન ચુકવેલ હતા. તેમજ આદિત્યા રાજકમલસીંગ ના રૂ. 5 લાખ જે પણ હોસ્ટેલ ચાલું કરવા માટે રેડીભાઈને આપેલનુ જણાવેલ હતુ.
તેમજ હોસ્ટેલમા રહેતા વિદ્યાર્થીઓના જમવાના તથા રહેવા માટેની ફી લીધેલ હોય જે કુલ રૂપિયા લીધા બાદ રેડીભાઈ તથા તેના પત્ની અર્ચનાબેને છોકરાઓને સુવિધા ન આપી હોસ્ટેલ રેઢું મુકી ઠગાઈ કરવાના ઇરાદે કાવતરૂ રચી હોસ્ટેલ ચાલુ કરેલ હતી અને ફરીયાદી , વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સાથે કુલ રૂ. 38.17 લાખની ઠગાઈ આચરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
બેંગ્લોરની બંટી-બબલીનો ભોગ બનનાર મારવાડી યુની.ના વિદ્યાર્થીઓ
એમ મોહન રૂ.30 હજાર, અભી રૂ.20 હજાર, એ એસ કિહોરે રૂ.40 હજાર, પી.નેની રૂ.40 હજાર, ગીયુ રુ.10 હજાર, મનોજ સાંઇ રૂ.8 હજાર, નીચી રૂ. 10 હજાર, લકી રૂ. 10 હજાર, ચીન્ટુ રૂ.40 હજાર, રાહુલ રૂ.50 હજાર, સાંઇ રીતીક રૂ.90 હજાર, અભિરામ રૂ.90 હજાર, પવન રૂ.35 હજાર, વિવા રૂ.50 હજાર, વિશ્વાસ રૂ.50 હજાર, સાંઇ ભારત રૂ.50 હજાર, વારાપ્રસાદ રૂ.50 હજાર, ચરણ રૂ.50 હજાર, પવન રૂ. 50 હજાર, બારમ રૂ.50 હજાર, અશોક રૂ.50 હજાર, ચંદુ રૂ.50 હજાર, નાગા હિસોર રૂ. 50 હજાર, હેમથ રૂ.50 હજાર, કિરણ રૂ.50 હજાર, નરેન્દ્ર રૂ.50 હજાર, ગોપી રૂ.40 હજાર, અનિલ રૂ.40 હજાર, જગદીશ રૂ.40 હજાર, ઈશ્વર રૂ.40 હજાર 56 વિદ્યાર્થીઓએ રૂપીયા આપેલ હતાં.