ઢાકા,તા.૨૮
નઝમુલ હસન શાંતો બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં ઇનિંગ્સ અને ૭૮ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે મેચની સાથે ટેસ્ટ શ્રેણી પણ ગુમાવી દીધી હતી. બંને ટીમો વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. હવે બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે દરેક ફોર્મેટમાં અલગ કેપ્ટન રાખવો એ સમજદારીભર્યું નથી.
નઝમુલ હસન શાંતોએ કહ્યું કે હું હવે ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન બનવા માંગતો નથી. મેં ટીમના ભલા માટે આ નિર્ણય લીધો છે અને મને લાગે છે કે તે ટીમને મદદ કરશે. હું છેલ્લા કેટલાક સમયથી ડ્રેસિંગ રૂમનો ભાગ છું. મને લાગે છે કે ત્રણ ફોર્મેટમાં ત્રણ અલગ કેપ્ટન સમજદારીભર્યું નથી. મને ખબર નથી કે બોર્ડ આ વિશે શું વિચારશે. હું તેમના દરેક નિર્ણયને સમર્થન આપીશ. આ મારો વ્યક્તિગત નિર્ણય છે. મને લાગે છે કે ટીમ માટે ત્રણ અલગ કેપ્ટન સાથે વ્યવહાર કરવો મુશ્કેલ બનશે.
નઝમુલ હસન શાંતો બાંગ્લાદેશની વનડે ટીમના કેપ્ટન પણ હતા. પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેમના સ્થાને મેહદી હસન મિરાઝને કેપ્ટન બનાવ્યા. એવું માનવામાં આવતું હતું કે તે વનડેના કેપ્ટન રહેવા માંગે છે. જ્યારે તેમણે પોતાની મરજીથી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ છોડી દીધી અને તેમના સ્થાને લિટન દાસ કેપ્ટન બન્યા. જો નઝમુલ બાંગ્લાદેશનો ટેસ્ટ કેપ્ટન રહ્યો હોત, તો બાંગ્લાદેશ પાસે દરેક ફોર્મેટમાં અલગ કેપ્ટન હોત.
નઝમુલ હસન શાંતોએ કુલ ૧૪ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ ટીમનું નેતૃત્વ કર્યું, જેમાંથી ટીમે ફક્ત ચારમાં જીત મેળવી અને ૯માં હારનો સામનો કરવો પડ્યો. જ્યારે એક ટેસ્ટ મેચ ડ્રો રહી. જ્યારે બાંગ્લાદેશે પાકિસ્તાન સામે તેના ઘરે ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી હતી, ત્યારે નઝમુલ તે સમયે કેપ્ટન હતો. નઝમુલ હસન શાંતોએ બાંગ્લાદેશ ટીમ માટે ૩૭ ટેસ્ટ મેચમાં કુલ ૨૧૮૯ રન બનાવ્યા, જેમાં ૭ સદી અને પાંચ અડધી સદી તેમના બેટમાંથી આવી. આ ઉપરાંત, વનડે ક્રિકેટમાં તેમના નામે ૧૫૬૫ રન હતા. તેમણે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૯૮૭ રન બનાવ્યા.

