New Delhi,તા.08
બેન્ક ખાતેદાર-લોકર ધારકના મૃત્યુ બાદ તેના વારસદારોને બેન્ક થાપણો/લોકરમાં રહેલી કિંમતી ચીજો મહત્વના દસ્તાવેજો અમલમાં જે રીતે લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડે છે તેમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ હવે નિશ્ચિત સમય મર્યાદા બાદના વિલંબમાં બેન્કોએ જે તે દાવેદાર/વારસદારને આ પ્રકારે પે-આઉટ કે લોકરનો કબ્જો નહી આપવા બદલ ચોકકસ પેનલ્ટી ચૂકવવી પડશે તે નિશ્ચિત કર્યુ છે. જયાં કાનુની મુદા ન હોય ત્યાં આ નિયમો લાગુ પડશે અને તે 1 જાન્યુઆરી 2026થી અમલી બનશે.
આરબીઆઈએ બેન્કો માટે નવા જે નિયમો બનાવ્યા છે તેમાં આ પ્રકારની પ્રક્રિયા માટે 15 દિવસની સમય મર્યાદા નિશ્ચિત કરી છે. બેન્કોએ દાવેદાર/વારસદાર જે તે આવશ્યક દસ્તાવેજો પુરા પાડે તે દિવસથી કામકાજના 15 દિવસમાં બેન્ક ખાતાની જમા રકમ-થાપણો વિ.નું ચૂકવણું કરી દેવાનું રહેશે કે લોકરનો કબ્જો દેવાનો રહેશે.
જો તેમ કરવામાં બેન્ક નિષ્ફળ જાય તો થાપણો પર બેન્કના વ્યાજદર ઉપરાંત 4%નું વ્યાજ ચૂકવવાનું રહેશે. જયારે લોકરના કેસમાં વિલંબીત દિવસના રોજના રૂા.5000ના લેખે રકમ ચૂકવવી પડશે.
રીઝર્વ બેન્ક પાસે આ સંબંધી સંખ્યાબંધ ફરિયાદો આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો તથા બેન્કોએ તેનો 1 જાન્યુ. 2026થી ચુસ્ત અમલ કરવાનો રહે છે. આ નિયમ જોઈન્ટ ખાતેદાર, નોમીની, કાનુની વારસદાર તમામ કેસમાં અમલી રહેશે.
બેન્કો માટે આ સૌથી સરળ પ્રક્રિયા રહેશે. જયાં નોમીનેશન કે બન્નેમાંથી એક અથવા જીવતા હોય તે કલમ લાગુ હોય ત્યાં બેન્કે કોઈ વારસા સર્ટીફીકેટ કે કોઈ દાવા બોન્ડ માંગવાના રહેશે નહી.
ફકત ખાતેદારનું મૃત્યુ સર્ટીફીકેટ જ રજુ કરવાનું રહેશે તેની સાથે કલેમ ફોર્મ અને જે દાવો કરે છે તેના ઓળખના માન્ય દસ્તાવેજ જ રજુ કરવાના રહેશે. જો કે તે સમયે ખરેખર વારસદારના બદલે તે ટ્રસ્ટી ગણાશે.
જયારે નોમીનેશન થયું ના હોય તેવા રૂા.15 લાખ સુધીના દાવામાં જે કાનૂની વારસદાર હોય તેનું એક ડિકલેરેશન, અન્ય વારસદારોનું નો-ઓબ્જેકશન કોઈ વાંધો નથી તેવા લખાણ તથા જે કઈ દસ્તાવેજો જરૂરી હોય તો આ દાવાની પતાવટ કરવાની રહેશે. જયારે રૂા.15 લાખથી વધુની રકમ માટે વારસા સર્ટીફીકેટ કે સોગંદનામુ જરૂરી રહેશે અને તેમાં જામીન લેવાના રહેશે.
લોકર માટે પણ આ જ પ્રક્રિયા અપનાવાશે. વારસદાર કે સંયુક્ત ખાતેદારની ચકાસણી બાદ તે લોકર ઓપરેટ કરી શકશે. અન્ય કેસમાં કાનુની વારસદારને દસ્તાવેજો નો ઓબ્જેકશન સર્ટીફીકેટ જેમાં કોઈ વિવાદ નથી તેવા બેન્ક અધિકારી-સાક્ષીની હાજરીમાં લોકરની વસ્તુઓની એક વિસ્તૃત યાદી બતાવવાની રહેશે.
આ પ્રકારના કેસમાં ટર્મ ડિપોઝીટ જો મુદત પુર્વે બંધ કરવાથી હશે તો તેમાં કોઈ પેનલ્ટી લાગશે નહી. આ તમામ પ્રક્રિયા માટે નિયત ફોર્મ બેન્કની શાખામાં કે ઓનલાઈન ઉપલબ્ધ હશે. બેન્ક આ નિયમો તેના ગ્રાહકોને જાણ માટે પ્રવિધ પણ કરશે.