Ahmedabad,
દેશભરમાં બેન્કોમાં થાપણો મુકવાનો સિલસિલો ફરી શરૂ થયો છે પણ ગુજરાતીઓ માટે હજુ પણ સોનુ અને શેરબજાર એ આકર્ષણ રહ્યુ છે અને રાજયમાં બેન્ક થાપણનો વૃદ્ધિદર ઘટીને સિંગલ ડિજીટ એટલે કે 7.3% થયો છે.
ગુજરાતીઓ તેમના નાણાના વધુ સારા વળતરની તલાશ કાયમ કરતા હોય છે. ગુજરાતમાં બેન્કોના થાપણ વૃદ્ધિદર હંમેશા ડબલ ડીજીટમાં રહ્યો છે અને 2024-25 બીજા કવાટરમાં તે 10.7% હતો.
જો કે 2023-24ના બીજા કવાટરમાં તે વાર્ષિક ધોરણે જોઈએ તો 15.42% સુધી ઉંચો રહ્યો હતો પણ 2024-25ના કવાટર ત્રણ એટલે કે ઓકટો-ડિસેમ્બર 2024માં તે 7.31% વાર્ષિક ધોરણે નોંધાયો છે.
ગુજરાતમાં બેન્ક થાપણો આ સમયે રૂા.12.68 લાખ કરોડ નોંધાઈ છે જે અગાઉના કવાટરમાં રૂા.11.82 લાખ કરોડ હતી. આમ વૃદ્ધિ થઈ છે પણ વૃદ્ધિદર નીચે આવ્યો છે. ગુજરાત એ ઈન્વેસ્ટર માટે જાણીતુ છે.
શેરબજાર ઉપરાંત સોના-ચાંદીમાં રોકાણ અને વ્યાપારમાં તથા શેરબજારમાં આઈપીઓમાં પણ ગુજરાતમાંથી મોટુ રોકાણ આપે છે. સોના-ચાંદી એ છેલ્લા 1 વર્ષમાં સારુ રિટર્ન પણ આપ્યુ છે. શેરબજારમાં મંદી છતાં ગુજરાતમાં તેવું રોકાણ ઘટયુ નથી.