Ahmedabad,તા.13
બેંક ઓફ અમેરિકા (BofA) ગ્લોબલ રિસર્ચે અદાણી ગ્રુપ દ્વારા જારી કરાયેલા યુએસ ડોલર બોન્ડ્સ પર કવરેજ શરૂ કરતા ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યું છે. નિયમનકારી ચકાસણી ચાલુ હોવા છતાં અદાણી સમૂહના મજબૂત ફંડામેન્ટલ્સ, વૈવિધ્યસભર એસેટ બેઝ અને સ્થિતિસ્થાપક ભંડોળને આધારે કંપનીના બોન્ડસને ઓવરવેઈટ રેટિંગ આપવામાં આવ્યું છે.
તાજેતરના અહેવાલમાં BofA એ વાત પર ભાર મૂક્યો છે કે, અદાણીનો મજબૂત એસેટ બેઝ તેના બંદરો, યુટિલિટીઝ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં સ્થિર રોકડ પ્રવાહ અને મજબૂત ક્રેડિટ પ્રોફાઇલને ટેકો આપે છે. અદાણી જૂથ આશરે $200 બિલિયનના સંયુક્ત બજાર મૂડીકરણ સાથે 12 લિસ્ટેડ એન્ટિટીનું સંચાલન કરે છે, અને તેણે વિવિધ તપાસ વચ્ચે પણ સતત કામગીરી અને વિસ્તરણ જારી રાખ્યું છે.
BofA એ નોંધ્યું છે કે અદાણી બોન્ડ ઇશ્યુઅર્સની હોલ્ડિંગ કંપનીઓએ છેલ્લા બે વર્ષમાં ક્ષમતા વિસ્તરણ અને મધ્યમ લીવરેજથી EBITDA વૃદ્ધિને કારણે સુધારેલા ફંડામેન્ટલ્સ દર્શાવ્યા છે. ભવિષ્યમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (ADSEZ) તેની ક્રેડિટ પ્રોફાઇલને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે, જે વૈવિધ્યસભર કામગીરી અને સ્થિર કાર્ગો વોલ્યુમ દ્વારા સમર્થિત છે. બ્રોકરેજનું અનુમાન છે કે નોંધપાત્ર રોકાણો છતાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનનું લિવરેજ લગભગ 2.5 ગણું રહેશે.
અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એનર્જી માટે BofA સ્થિર ક્રેડિટ પ્રોફાઇલ્સની આગાહી કરે છે, જેમાં આગામી ત્રણ વર્ષમાં લિવરેજ 6 ગણાથી નીચે અને કવરેજ 2 ગણાથી ઉપર રહેશે. વળી અન્ય કંપનીઓમાં પણ દેવા ઘટાડા સાથે ધીમે ધીમે ક્રેડિટમાં સુધારો થવાની અપેક્ષા છે.
યુએસ દ્વારા ચાલી રહેલી તપાસ અને ભૂતકાળની નિયમનકારી ચકાસણી છતાં, અદાણી ગ્રુપે સ્પર્ધાત્મક દરે મજબૂત ભંડોળ ઍક્સેસ જાળવી રાખી છે. ભારતીય નિયમનકારોએ પણ કંપનીમાં મોટાભાગના નિરીક્ષણો પૂર્ણ કર્યા છે અને રેટિંગ એજન્સીઓએ મોટાભાગે અદાણી જૂથના રેટિંગ સ્થિર રાખ્યા છે.
BofA ગ્લોબલ રિસર્ચના અહેવાલ પરથી એ સ્પષ્ટ છે કે અદાણીના મજબૂત ફન્ડામેન્ટલ્સ અને સ્થિર માર્કેટ ઍક્સેસ રોકાણકારોના વિશ્વાસને ટેકો આપવાનું ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ફિચ રેટિંગ્સે પણ અદાણી જૂથની કંપનીઓના રેટિંગ્સ અપગ્રેડ કરતા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ), અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) અને તેની પેટાકંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (AEML) પરના આઉટલુકને “નેગેટિવ” થી “સ્ટેબલ” કર્યો છે.

