Dehradun,તા.8
ઉતરાખંડમાં ચીન સીમા પાસે અમરનાથ જેવી બરફથી બનેલ શિવલીંગની આકૃતિ મળી છે. ઉતરકાશીની નેલાંગ ખીણ ક્ષેત્રમાં પર્વતારોહણ અભિયાન દરમ્યાન એસડીઆરએફનાં દળે આ અનોખા શિવલીંગની શોધ કરી છે.શિવલીંગની પાસે નંદી જેવી આકૃતિ પણ છે.
એસડીઆરએફએ તેનો રિપોર્ટ રાજય સરકારને મોકલ્યો છે. સરકારે તેને ગંભીરતા દેખાડી તો ઉતરાખંડમાં પણ અમરનાથ જેવી આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ શકે છે.
ઉતરાખંડમાં ટ્રેકીંગની નવી સંભાવનાઓ શોધવા માટે એપ્રિલમાં એસડીઆરએફના 20 સભ્યોનું દળ ખીણમાં દુર્ગમ નેલાંગ નિખેરામાં ફતેહ કરવા નીકળ્યુ હતું. દળે નેલાંગમાં નીલાયાની ક્ષેત્રમાં 6054 મીટરના એક આવા અનામ શિખરને સર કર્યું હતું.
અહીં અત્યાર સુધી કોઈ પર્વતારોહણ દળ નથી પહોંચ્યું. આ શિખર પર લગભગ 4300 મીટરની ઉંચાઈ પર બરફથી બનેલી શિવલીંગની આકૃતિ જોવા મળી હતી.
અમરનાથથી વધુ ઉંચાઈ
અમરનાથમાં શિવલીંગ લગભગ 3888 મીટરની ઉંચાઈએ આવેલ છે.જયારે નીલાપાનીમાં જે પર્વત પર આ આકૃતિ મળી તેની ઉંચાઈ 6054 મીટર છે.શિવલીંગની આકૃતિ લગભગ 4300 મીટરની ઉંચાઈ પર છે.
સાડા ચાર કિલોમીટર લાંબો છે આ ટ્રેક
ગંગોત્રીથી 10 કિલોમીટર પહેલા લંકા પુલ પાસે નેલાંગ વેલી માટે સડક માર્ગ છે. અહી સુધી પહોંચવા માટે સ્થાનિક પ્રશાસનની મંજુરી લેવી જરૂરી છે. નેલાંગથી નીલાપાની સુધી પહોંચ્યા બાદ આ દુર્ગમ ટ્રેક શરૂ થાય છે.
આ માર્ગની શરૂઆત જ બર્ફીલા રસ્તાથી થાય છે. લગભગ સાડા ચાર કિલોમીટરના બરફ વચ્ચે ટ્રેકીંગ બાદ શિવલીંગ જેવી આકૃતિવાળા સ્થળ પર પહોંચી શકાય છે. ઉલ્લેખનીય છે કે નેલાંગ વેલીમાં જ પાર્વતી કુંડ પણ આવેલ છે.