New Delhi,તા.28
ભારતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને વિદેશી મીડીયા અલગ અલગ રીતે લે છે અને અગાઉ ન્યુયોર્ક ટાઈમ્સને આ આતંકી હુમલામાં સામેલ લોકોને આતંકવાદી અથવા ત્રાસવાદી તરીકે સંબોધવાને બદલે ઉગ્રવાદી તરીકે દર્શાવતા ભારતે તેનો વાંધો લીધો હતો અને અમેરિકી સંસદે પણ ન્યુયોર્ક ટાઈમ્સને આ શબ્દ સુધારવા તાકીદ કરી હતી.
તો બીજી તરફ બીબીસીએ પણ તેના રિપોર્ટમાં ત્રાસવાદીઓને ઉગ્રવાદી તરીકે દર્શાવતા ભારત સરકારે તેની સામે વિરોધ નોંધાવ્યો છે. બ્રિટન સ્થિત આ વૈશ્વિક મીડીયા બીબીસી અનેક વખત ભારત વિરોધી વલણ લઈ ચૂકયુ છે અને તેના એક અહેવાલ પાકિસ્તાન સસ્પેન્ડ વિઝા ફોર ઈન્ડીયન આફટર ડેડલી કાશ્મીર એટેકમાં ત્રાસવાદી શબ્દને બદલે ઉગ્રવાદી શબ્દનો ઉપયોગ કર્યો.
ભારત સરકારે બીબીસીના ભારત ખાતેના વડા જેકીબ માર્ટીન સામે આ અંગે આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે અને ચેનલને આ પ્રકારે સંવેદનશીલ બાબતોમાં કોઈ ચેડા ન કરવા તાકીદ કરાઈ છે.
બીબીસીએ ત્રાસવાદીઓને ગનમેન તરીકે પણ સંબોધ્યા હતા અને કાશ્મીરને તે ભારતના વહીવટ હેઠળનું કાશ્મીર ગણાવે છે તેમજ પાકિસ્તાન ભારત સામે જેવા સામે તેવાની નીતિ અપનાવતો હોવાનો દાવો આ ચેનલે કર્યો છે.
એક તરફ બ્રિટન સરકાર ખુદ આ હુમલાની ટીકા કરી રહી છે અને ભારતના કોઈપણ પગલાને ટેકો આપવાની ખાતરી આપી છે તે સમયે બીબીસીનું આ વલણ આશ્ર્ચર્યજનક છે.