હેલ્મેટ પહેર્યા વિના વાહન દોડાવતા 42 ચાલકોનાં લાયસન્સ સસ્પેન્ડ
ત્રણ કે તેથી વધુ વાર હેલ્મેટ પહેર્યા વિના પકડાયેલ 58 ચાલકોને નોટીસ ફટકાર્યા બાદ આરટીઓની કાર્યવાહી
Rajkot,તા.07
રાજકોટ આરટીઓ કચેરી દ્વારા ત્રણ કે તેથી વધુ વાર હેલમેટ પહેર્યા વિના વાહન ચલાવતા પકડાયેલ કુલ 58 લોકોને નોટીસ પાઠવી ખુલાસા કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જે પૈકી નિયત સમય મર્યાદામાં યોગ્ય જવાબ રજુ નહિ કરનાર 42 વાહનચાલકોનાં લાયસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
રાજકોટ આરટીઓ કચેરી દ્વારા ત્રણ કે તેથી વધારે વખત હેલ્મેટ પહેર્યા વગર પકડાયેલ વાહન ચાલકોનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નાયબ પોલીસ કમિશનર(ટ્રાફિક અમદાવાદ) દ્વારા રાજકોટ આરટીઓને વાહન માલિકના લિસ્ટ સાથે વિગતો મોકલેલ હતી. જેમાં ત્રણથી વધારે વખત હેલ્મેટ ન પહેરીને પકડાયેલ વાહનોની વિગતો મોકલી આપેલ હતી. જેથી ત્રણથી વધારે વખત પકડાયેલ વાહન ચાલકોના કે જે રાજકોટ જિલ્લાના રહેવાસી હોય તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કુલ 58 લોકોને નોટિસ પાઠવી છે તેમજ 10 દિવસમા ખુલાસો રજુ કરવા જણાવેલ છે.
જો નિયત સમય મર્યાદામાં વાહન ચાલકો દ્વારા યોગ્ય ખુલાસો રજુ કરવામા નહિ આવતા 42 લાઇસન્સ ધારકોના 3 મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે.