Mumbai,તા.28
ક્રિકેટ જગતમાં બેન સ્ટોક્સનો ‘હેન્ડશેક કોન્ટ્રોવર્સી’ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે ગેમ પૂરી થવાના એક કલાક પહેલાં, સ્ટોક્સે ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવીને મેચ ડ્રો કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે આ પ્રસ્તાવ નકારી દીધો હતો, કારણ કે બંને ખેલાડીઓ સેન્ચુરી ફટકારવાની નજીક હતા. જ્યારે જાડેજા અને સુંદર બંનેએ પોતપોતાની સેન્ચુરી પૂરી કરી, ત્યારે ભારતે મેચ ડ્રો કરવા માટે સંમતિ આપી અને બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવે છે, પરંતુ રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર પાસે આવતા જ હાથ મિલાવવાનું ટાળે છે. સ્ટોક્સને આમ કરતા જોઈને રવીન્દ્ર જાડેજા તેમની સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સ્ટોક્સ કંઈક કહીને આગળ વધી જાય છે અને હાથ મિલાવતો નથી.મેચની વાત કરીએ તો, ભારતીય ટીમે ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા 358 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે જો રૂટ અને બેન સ્ટોક્સ દ્વારા ફટકારેલી સેન્ચુરીની મદદથી 669 રન બનાવીને ભારત પર 311 રનની લીડ મેળવી હતી.
બીજી ઇનિંગ્સમાં ભારતે 0 રનમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે જ લાગ્યું કે ભારત હારી જશે. પરંતુ કેએલ રાહુલ, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની શાનદાર બેટિંગના કારણે ભારતે આ હાર ટાળી દીધી.
ચોથા દિવસના છેલ્લા બે સેશન અને પાંચમા દિવસના ત્રણેય સેશન ભારતના પક્ષમાં રહ્યા હતા. ભારતીય ટીમે ચોથી ઇનિંગ્સમાં 4 વિકેટે 425 રન બનાવીને મેચ ડ્રો કરાવી. આ મેચમાં શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે સેન્ચુરી ફટકારી હતી.