Mumbai,તા.23
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સ્લો ઓવર રેટ મામલે આઈસીસી પર અવારનવાર પ્રહારો કરતાં જોવા મળ્યો છે. સ્લો ઓવર રેટ સંબંધિત દસ્તાવેજી કાર્યવાહી પર બેન સ્ટોક્સ ઘણા સમયથી હસ્તાક્ષર કરી રહ્યો નથી. ભારત વિરૂદ્ધ લોર્ડ્સ ટેસ્ટમાં સ્લો ઓવર રેટના કારણે તેની ટીમના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી બે પોઈન્ટ ઘટાડવામાં આવ્યા હતાં. ઈંગ્લેન્ડે મેચ તો જીતી, પરંતુ સ્લો ઓવર રેટના કારણે બે મહત્ત્વપૂર્ણ પોઈન્ટ ગુમાવવા પડ્યા, તેમજ દંડનો પણ સામનો કરવો પડ્યો.
સ્ટોક્સે મંગળવારે ચોથી ટેસ્ટની પૂર્વ સાંજે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આઈસીસીને અપીલ કરી છે કે, આઈસીસીએ વિશ્વભરની જુદી-જુદી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતાં ઓવર રેટના નિયમોની સમીક્ષા કરવી જોઈએ. હું ફોર્મ પર હસ્તાક્ષર નહીં કરુ. ઓવર રેટની મને ચિંતા નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે, મેં જાણી-જોઈને સ્લો ઓવર રમાડી હોય. હું તેની સાથે જોડાયેલી નિરાશાને સમજુ છું. પરંતુ મને વાસ્તવમાં લાગે છે કે, આ મામલે ગંભીરતાપૂર્વક વિચારણા કરવાની જરૂર છે.
બેન સ્ટોક્સે આગળ કહ્યું કે, તમે એક જ નિયમ એશિયા અને અન્ય સ્થળો માટે લાગુ કરી શકો નહીં. એશિયામાં 70 ટકા ઓવર સ્પિનર્સ દ્વારા ફેંકવામાં આવે છે, જ્યારે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડમાં 70-80 ટકા ઓવર ફાસ્ટર દ્વારા ફેંકવામાં આવે છે. આટલી તો કોમન સેન્સ હોવી જોઈએ કે, સ્પિનરને ઓવર ફેંકવામાં ઓછો સમય લાગે છે.જ્યારે ફાસ્ટરને વધુ. એવામાં વિવિધ સ્થળોએ ઓવર રેટનો સમય બદલવા પર વિચારણા કરવી આવશ્યક છે.
ઈંગ્લેન્ડના કેપ્ટને અગાઉ પણ ઓવર રેટ મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે ગઈકાલે ફરી કહ્યું હતું કે, મને લાગે છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ઓવર રેટમાં ઘટાડો થયો છે. મને આશ્ચર્ય છે કે, રન રેટ વધવાના કારણે મોટાભાગે બોલ બ્રાઉન્ડી ક્રોસ કરી રહ્યો છે. જેથી તેમાં સમય લાગશે. સ્પિનર્સ ઈજાગ્રસ્ત થાય તો ઓવર રેટ ધીમી પડી શકે છે. બશીરને ઈજા થતાં અમે પાંચમા દિવસે સ્પિનરનો ઉપયોગ કરી શક્યા ન હતાં. જેથી આખો દિવસ ફાસ્ટર દ્વારા બોલિંગ કરવામાં આવી. જેથી ઓવર રેટની ગતિ ઘટી જશે. રમતમાં એવો પણ સમય આવે છે, જ્યારે તમે દરેક વસ્તુ ધીમી પાડવાનો પ્રયાસ કરો છે. જે રમતની વ્યૂહનીતિનો એક ભાગ છે. જો કે, તેના લીધે ઓવર રેટ પર અસર થાય છે. હવે સમય છે કે, તમે ક્રિકેટની ગુણવત્તાને જાળવી રાખતાં આ મામલે સચોટ નિર્ણય લો.