Ahmedabad,તા.૭
બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું લો પ્રેશર મધ્યપ્રદેશ પહોંચ્યા બાદ વેલ માર્ક લો પ્રેશર બન્યું. ગઈ રાતે ૧૧.૩૦ વાગ્યે રાજસ્થાનમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ. અત્યાર સુધીની તેની દિશા પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ હતી. જોકે, સવારે ૫.૩૦ વાગ્યે અચાનક આ સિસ્ટમે આશ્ચર્યજનક વળાંક લીધો. હવે આ દિશા પશ્ચિમ-ઉત્તર પશ્ચિમથી બદલાઈ ગઈ અને દક્ષિણ થઈ ગઈ. દક્ષિણ રાજસ્થાનમાંથી તે ગતિ કરીને સીધી જ ઉત્તર ગુજરાતમાં પહોંચી ગઈ.સવારે ૫.૩૦ વાગ્યાની સ્થિતિએ આ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં ડીસાથી ૭૦ કિમી દૂર સક્રિય જણાઈ છે. હવે તે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ જ એવું અનુમાન લગાવ્યું હતું કે, રવિવારે આ સિસ્ટમની દિશામાં ફેરફાર થઈ શકે છે. બરાબર એ જ પ્રમાણે આ સિસ્ટમે મોટો વળાંક લીધો છે. કારણ કે અગાઉના સંભવિત ટ્રેક પ્રમાણે તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં આગળ વધીને પાકિસ્તાન તરફ જવાની સંભાવના હતી. જોકે, હવે આગામી બે દિવસ સુધી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે.
આ ડિપ્રેશનના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તથા કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે કેટલાક વિસ્તારમાં ૮ ઈંચથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે. પરિણામે બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા કચ્છ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત ૪૦થી ૫૦ કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ક્યારેક ઝટકાના પવનની દિશા ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચવાની આશંકા છે.
આ ઉપરાંત ૯ સપ્ટેમ્બર સુધી પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ અરબ સાગર તથા કેટલાક દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ ૪૫થી ૫૫ કિમી જ્યારે ઝટકાના પવનની ગતિ ૬૫ કિમી પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે. આથી માછીમારોને પણ ૯ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.