સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર-૧ ડેમ ઓવરફ્લો થયો
Gondal, તા. ૫
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર-૧ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ સંપૂર્ણપણે છલકાઈ જતાં રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ દૂર થયું છે. ૩૪ ફૂટની સપાટી ધરાવતો આ ભાદર-૧ ડેમ ચાલુ સિઝનમાં સૌ પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. હાલ ડેમમાં સૌની યોજનાનું પાણી અને ઉપરવાસના વરસાદી પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેના કારણે ડેમ છલકાયો છે.સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ ડેમમાં ૨૮૨ ક્યુસેક પાણીની આવક સામે એટલું જ એટલે કે ૨૮૨ ક્યુસેક પાણીની જાવક ચાલુ છે.
ભાદર-૧ ડેમ રાજકોટ, જેતપુર, વીરપુર, ખોડલધામ સહિત જૂથ યોજના હેઠળ આવતા ૨૨ લાખ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. ડેમ ઓવરફ્લો થવાથી આ તમામ વિસ્તારોના લોકો માટે પાણીની સમસ્યા હળવી બની છે. જોકે, ડેમ ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો માટે તકેદારીના ભાગરૂપે સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. જેતપુર, ગોંડલ, ધોરાજી સહિતના નદી કાંઠાના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે.