Dehradun,તા.17
શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ તથા પૌરાણીક જ્ઞાન પર ફોકસ વધારવામાં આવી રહ્યું છે. ત્યારે ઉતરાખંડમાં નવી પહેલ શરૂ થઈ છે. સ્કુલોની પ્રાર્થના સભાઓમાં ભગવદ ગીતાના પાઠ-શ્લોક બોલવાનું ફરજીયાત બનાવાયું છે.
ઉતરાખંડનાં શિક્ષણ વિભાગનાં સુત્રોએ કહ્યું કે કલાસરૂમની બહાર વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિથી વાકેફ કરીને જ્ઞાન આપવાનો ઉદેશ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીય સંસ્કૃતિ, વારસા તથા પરંપરા વિશે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા કહેવામાં આવ્યું જ છે.
અભ્યાસક્રમની બહારનું જ્ઞાન પણ જરૂરી છે. ખુદ મુખ્યમંત્રીએ શાળાઓમાં આ સિસ્ટમ શરૂ કરવા સુચના આપી હતી. જે અંતર્ગત સ્કુલોમાં સવારની પ્રાર્થના સભામાં ભગવદ ગીતાના પાઠ ફરજીયાત કરાયા છે. દરરોજ અમુક શ્લોક બોલાવવામાં આવશે.
આ પહેલ કરનાર ઉતરાખંડ પ્રથમ રાજય બન્યુ છે. ગુજરાત સહીતનાં રાજયોએ પણ આવી જાહેરાત કરી હતી. પરંતુ અમલ કર્યો નથી. ગુજરાત સરકારે 2022 માં ધો.6 થી 12 ના અભ્યાસક્રમોમાં ભગવત ગીતાનું ચેપ્ટર સામેલ કર્યુ હતું.
કર્ણાટક ઉપરાંત મધ્યપ્રદેશ તથા હિમાચલ પ્રદેશ સરકારે પણ આવી જાહેરાત કરી હતી. શિક્ષણમંત્રીએ કહ્યુ કે, દુનિયાભરમાં ભારતીય વૈદિક જ્ઞાન સૌથી પુરાણુ છે. વિદ્યાર્થીઓનાં નૈતિક આધ્યાત્મિક તથા શારીરીક વિકાસમાં મદદરૂપ બનશે ઉપરાંત શિસ્ત પણ શિખવશે. વૈજ્ઞાનિક ઉત્કંઠા વધારવામાં પણ મદદરૂપ થશે.