New Delhi,તા.14
ભારતીય સેનાની તાકાતનું સૌથી તાજું ઉદાહરણ ઓપરેશન સિંદૂર છે. જેમાં સેનાએ પાકિસ્તાનની અંદર આતંકી અડ્ડાઓને તોડ્યાં જ પરંતુ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલાં દરેક હુમલાને પણ નિષ્ફળ બનાવ્યો હતો.
આ દાયકો ભારતીય સેના માટે પરિવર્તનનો દાયકો છે અને આ દિશામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ મહિનાનાં અંત સુધીમાં ભારતીય સેના પાસે દરેક ઇન્ફન્ટ્રી બટાલિયનમાં 5 ભૈરવ બટાલિયન, 5 દિવ્યાસ્ત્ર બટાલિયન, 3 શક્તિબાણ રેજિમેન્ટ તેમજ ડ્રોન પ્લાટૂન હશે. આ પ્રથમ તબક્કો છે. સાથે જ ભવિષ્યનાં ખતરા અને નવી ટેક્નોલોજીના ખતરાનો સામનો કરવાની સાથે સાથે સેનાની ક્ષમતા વધારવાની પણ તૈયારી ચાલી રહી છે.
લાઇટ કમાન્ડો બટાલિયન
જેમ કે નામ સૂચવે છે, આ નાની અને વધુ ઘાતક બટાલિયન હશે. આ ભૈરવ બટાલિયન દુશ્મનને આશ્ચર્યચકિત કરવા માટે પૂરતી હશે. આ મહિનાનાં અંત સુધીમાં ભારતીય સેનામાં આવી 5 બટાલિયન તૈયાર થઈ જશે. તેઓ સશસ્ત્ર હશે અને ઉચ્ચ-તીવ્રતાવાળા ઓપરેશન્સ કરવામાં પારંગત રહેશે. તેઓ પેરા કમાન્ડોથી અલગ હશે, કારણ કે તેઓ ઝડપથી અને નાના પાયે સરહદ પર વધુ ઘાતક કામગીરી હાથ ધરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
દરેક ઇન્ફન્ટ્રી બટાલિયનમાં ડ્રોન પ્લાટૂન
ઓપરેશન સિંદૂરમાં દુનિયાએ ડ્રોન અને એન્ટી ડ્રોનનો ભરપૂર ઉપયોગ જોયો. જ્યારે પાકિસ્તાન તરફથી મોટી સંખ્યામાં ડ્રોન મોકલવામાં આવ્યાં તો ભારતીય સેનાએ તેમને ઠાર માર્યા હતાં. હવે ભારતીય સેનાની દરેક પાયદળ બટાલિયનમાં ડ્રોન પ્લાટૂન હશે.
આમ જોવા જઈએ તો ડ્રોનનો ઉપયોગ હજુ પણ થઈ રહ્યો છે અને આ માટે સતત ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. પરંતુ હવે એક અલગ બટાલિયન પણ હશે. તે પણ આ મહિનાનાં અંત સુધીમાં તૈયાર થઈ જશે.
દિવ્યાસ્ત્ર અને શક્તિબાણ
ભારતીય સેનાની આર્ટિલરી રેજિમેન્ટે ઓપરેશન સિંદૂર દરમિયાન એલઓસી પર પાકિસ્તાનની અનેક ચોકીઓ અને આતંકીઓના લોન્ચ પેડને નષ્ટ કરી દીધાં હતાં. આર્ટિલરી રેજિમેન્ટ દૂરથી દુશ્મનને ખતમ કરે છે અને આ લક્ષ્યો દ્રશ્ય શ્રેણીની બહાર છે. આર્ટિલરીની તાકાત વધારવા માટે આ મહિનાનાં અંત સુધીમાં 5 આર્ટિલરી રેજિમેન્ટમાં એક-એક દિવ્યાસ્ત્ર બટાલિયન હશે અને 3 શક્તિબાણ રેજિમેન્ટ પણ તૈયાર થઈ જશે.
આર્ટિલરીની દરેક રેજિમેન્ટમાં દિવ્યાસ્ત્ર બટાલિયન બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં જે 5 રેજિમેન્ટમાં તેની રચના કરવામાં આવી રહી છે તે સેનાના અલગ અલગ કમાન્ડમાં (સેન્ટ્રલ કમાન્ડ સિવાય) હશે. શક્તિબાણ રેજિમેન્ટ સમર્પિત ડ્રોન અને દારૂગોળાની રેજિમેન્ટ હશે. દિવ્યાસ્ત્ર બટાલિયનમાં ડ્રોન અને લાઇટિંગ દારૂગોળો હશે.