Ahmedabad,તા.૪
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. ૬ હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રૂપનાં માલિક અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે સીબીઆઇ ક્રાઈમે તપાસ તેજ કરી છે. મોડાસામાંથી સીઆઇડી ક્રાઈમે મહાઠગની પ્રોપર્ટીની વિગતો મેળવી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા મોડાસા સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનાં ડેટા એકત્ર કરવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોનાં રૂપિયાથી કરોડોની મિલકત ખરીદી હોવાનું ખુલ્યું છે.રાજ્યમાં રોકાણકારોનાં કરોડો રૂપિયા ચાઉં કરનાર બીઝેડ ગ્રૂપનાં માલિક અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પર ગાળિયો કસાશે.
માહિતી અનુસાર, કૌભાંડની તપાસ હેઠળ સીઆઇડી ક્રાઈમ મોડાસા પહોંચ્યું હતું અને ત્યાં સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી ભૂપેન્દ્રસસિંહ ઝાલાની મિલકતો સંબંધિત ડેટા એકત્ર કર્યા હતા. સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું લિસ્ટ મેળવ્યું છે. સાથે જ બીઝેડ ની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય માટે પણ મૌખિક સૂચના અપાઈ છે.સીઆઇડી ક્રાઈમની તપાસ અનુસાર, ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા મોડાસા તાલુકામાં અત્યારસુધી ૫ સંપત્તિઓની ખરીદી કરાઈ હતી.માહિતી મુજબ, વર્ષ ૨૦૨૩ થી અત્યાર સુધીમાં કરોડોની અલગ-અલગ સ્થળે ૩૦ વીઘા જમીનની પણ ખરીદી કરવામાં આવી છે.
સાકરિયા પાસે ૩ જગ્યા , લિંભોઇ, સજાપુર પાસે એક-એક જગ્યાની ખરીદી કરાઈ છે. સાકરિયામાં બાનાખત કરીને ૩ કરોડમાં ૯ વીઘા જમીન ખરીદી હોવાનું માલૂમ પડ્યું છે. જ્યારે, અરવલ્લી જિલ્લાનાં અન્ય તાલુકાઓમાંથી પણ મિલકતોની વિગત બહાર આવી શકે છે. રોકાણકારોનાં કરોડો રૂપિયાથી ભૂપેન્દ્રસિંહે પોતાનાં નામે સંપત્તિઓ ખરીદી હતી. આગળની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.