ખેલૈયાઓની મજા બગડી
Bhanvad તા.29
હવામાન ખાતાની આગાહી મુજબ ભાણવડમાં ચાર કલાકમાં સવા બે ઈંચ 58 મીમી. જેટલો વરસાદ પડી જતા સર્વત્ર પાણક્ષ પાણી થઈ ગયું છે. બરાબર નવરાત્રી મહોત્સવ પર વરસાદ ખાબકતા ખેલૈયાઓની મજા બગડી ગઈ હતી.
મોટાભાગની ગરબીઓ બંધ કરવાની આયોજકોએ જાહેરાત કરી હતી. ચોમાસાની હવે વિદાય થવા જઈ રહી છે ત્યારે અંતીમ ચરણોમાં મેઘરાજાએ ભાણવડ વિસ્તારને ધમરોળ્યું હતું.
રવિવારે દીવસભર ધાબડીયુ વાતાવરણ રહ્યું હતું. તેમજ આકાશમાં કાળા ડીબાંગ વાદળાઓની હડીયાપટી વચ્ચે રાત્રે વરસાદ શરૂ થયો હતો.પ્રારંભમાં ધીમીધારે અને ત્યાર પછી રાત્રીના બારથી ચાર કલાક વચ્ચે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, અને ચાર કલાકમાં 58 મી.મી. એટલે કે સવા બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થયું હતું. નવરાત્રી પર્વ પર વરસાદ ખાબકતા ખેલૈયાઓની બજા બગડી હતી અને મોઢા પર નિરાશા જોવા મળી હતી. મોટાભાગની ગરબી મંડળના આયોજકોએ વરસાદના કારણે રાસ ગરબા બંધ રાખવાની જાહેરાત કરી હતી.