Bhavnagar, તા.4
ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન એટલે સાંઢિડા મહાદેવ. શ્રાવણ માસ સહિત કાયમ શ્રદ્ધાળુઓ નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદેવનાં દર્શન પૂજન કરતાં રહે છે.
શ્રી કૃષ્ણ અને શ્રી સુદામા સાથે શ્રી સાંદિપની ઋષિ સાથેની દંતકથા સાથે જોડાયેલ સાંઢિડા ગામ પાસેનું ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન એટલે સાંઢિડા મહાદેવ, જ્યાં શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ સતત દર્શન પૂજન માટે આવતાં રહે છે.
કૈલાસવાસી શ્રી કેશુપરીજી ગૌસ્વામીનું સ્મરણ સાંઢિડા મહાદેવ આવતાં વડીલ યાત્રિકોને અવશ્ય થાય છે. આ પરિવાર દ્વારા આસપાસનાં ગામોનાં ભાવિક સેવકોનાં ભાવ સાથે શ્રાવણ માસ તેમજ દર માસની શિવરાત્રી સહિત વર્ષભર દર્શનાર્થીઓને લાભ મળતો રહે છે અને પૂજન અર્ચન થઈ રહેલ છે. શ્રાવણ માસમાં દરરોજ થાળ પ્રસાદમાં સૌ જોડાતાં રહ્યાં છે.
ગોબરી નદીનાં કિનારે સુંદર કુંડ અને ટેકરીઓ સાથેનું આ સ્થાન દાતાઓ અને શ્રદ્ધાળુઓનાં સહયોગ સાથે વિકસી રહ્યું છે. ભોળાનાથનાં બે લિંગ નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદેવ સાથે ગણપતિજી, હનુમાનજી, વિશાળ નંદી સહિત શક્તિ સ્થાનો પર આસ્થાળુઓ આવતાં રહે છે. શ્રાવણ માસ સહિત કાયમ શ્રદ્ધાળુઓ નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદેવનાં દર્શન પૂજન કરતાં રહે છે. આમ, સાંઢિડા મહાદેવ સ્થાન દર્શનીય રહ્યું છે.