Bhavnagar,તા.15
આનંદનગર જુના ઘરે દિવાળી કરવા આવેલા પરિવારના ફુલસર ખારા વિસ્તાર મહાલક્ષ્મીનગરમાં આવેલા નવા મકાનમાં સોનાના દાગીના તથા ઈલેક્ટ્રીક સ્ટવ અને ટીપોઈ સહિત કુલ રૂ.૭૯ હજારના મત્તાની ચોરી થયાંની પોલીસ ફરિયાદ અજાણ્યા ચોર સામે બોરતળાવ પોલીસ મથકમાં નોંધાતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે.
ફુલસર ખારા વિસ્તાર મહાલક્ષ્મીનગર ખાતે રહેતા હંસાબેન સુભાષચંદ્ર ગોહિલ ગત તા.૨૫ ઓક્ટોબરના રોજ તેમના પરિવાર સાથે આનંદનગર ભાવનગર ખાતે તેમના જુના ઘરે દિવાળીનો તહેવાર ઉજવવા આવ્યા હતા. તે દરમિયાન ગત તા. ૫ નવેમ્બરની રાત્રિના ૧૦ કલાકથી વહેલી સવારે ૫ કલાકના અરસામાં તેમના ઘરમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોઓ મેઈન ગેઈટનો નકુચો તોડી ઘરની ચીજ વસ્તુઓ વેર-વિખેર કરી કબાટની લોખંડની તિજોરી તોડી તિજોરીમાં રહેલી સોનાની કાનની કડી, નાકનો સોનાનો દાણો, સોનાની વીંટી, બે સોનાના ઓમકાર, રોકડા રૂ.૫૦,૦૦૦ તથા ઘરમાં રહેલી ટીપોઈ, ઈલેક્ટ્રીક સ્ટવ અને કાચનો સેટ સહિત કુલ રૂ.૭૯,૦૦૦ની મત્તાની ચોરી કોઈ અજાણ્યો ઈસમ કરી ગયો હતો. આ અંગે હંસાબેન સુભાષચંદ્ર ગોહિલે બોરતળાવ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.