Bhavnagar,તા.22
ભાવનગરના નારી ગામ નજીક આજે વહેલી સવારે લોખંડની ભારે વજનવાળી બ્લેડ ભરીને પસાર થતા ટ્રેલર ટ્રક પાછળ લોખંડની બ્લેડ ભરેલો ટ્રેલર ટ્રક ઘુસી જતા ટ્રકની કેબિનમાં સૂતેલા પરપ્રાંતીય યુવાનનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું,જ્યારે ટ્રકનો ચાલક કેબિનમાંથી કૂદીને બહાર આવી ગયો હતો.આ બનાવ અંગે વરતેજ પોલીસે ટ્રેલર ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ગમખ્વાર અકસ્માત અંગે પ્રાપ્ત વિગત અનુસાર ઝારખંડના બોકારોમાં આવેલ ઇલેક્ટ્રો સ્ટીલમાંથી ત્રણ ટ્રેલર ટ્રક નં.આર.જે.૦૬- જી. ડી.-૩૪૦૩,ટ્રક નં.આર.જે.૦૬ – જી. ડી.-૮૧૮૮ અને ટ્રેલર ટ્રક નં.આર.જે.૫૧ – જી. એ. – ૨૮૭૨ માં કંપનીની લોખંડની ભારે વજનની પ્લેટ ભરીને આ ત્રણેય ટ્રક ગુજરાતના ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ૫થ૦૦ વાગ્યા આસપાસ આ ત્રણેય ટ્રક ભાવનગર નજીકના નારી ગામ પહોંચતા મઢુલી પાસે સ્પીડ બ્રેકર આવતા આગળના બંને ટ્રકના ચાલકે તેમનો ટ્રક ધીમો પાડયો હતો, જોકે સૌથી પાછળ આવી રહેલા ટ્રકના ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી આગળ જઈ રહેલા ટ્રક નં. આર.જે. ૫૧ -જી.એ.૨૮૭૨ ની પાછળ ઘુસાડી દેતા ટ્રકની કેબીનમાં સૂતેલા પરપ્રાંતીય યુવાન અનિલભાઈ કાલુભાઈ કંજરનું હાથ અને પગ અને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકનો ચાલક દિનેશ ગોપાલલાલ ધાકર ટ્રકની કેબીનમાંથી ફુદીને નીચે આવી જતા તેનો બચાવ થયો હતો. અકસ્માતની ઘટનામાં ટ્રકની કેબીનનો પણ ભૂકો બોલી ગયો હતો.અકસ્માતની આ ઘટના અંગે ટ્રેલર ટ્રકના ચાલક મહાવીર રામલાલ ધાકાર ( રહે. બિસનિયા, પોસ્ટ પારોલી, તા. કોટડી, જિ.ભીલવારા, રાજસ્થાન ) એ અકસ્માત કરનાર ટ્રકના ચાલક દિનેશ ગોપાલલાલ ધાકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.